હૃદયના દર્દીઓ, વયોવૃદ્ધોને પરિક્માં ન કરવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢમાં આગામી તા. 02થી 05 નવેમ્બર દરમિયાન યોજાનારી ગિરનારની લીલી પરિક્રમા પર્વને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.એસ. સાલ્વીની યાદી અનુસાર, પરિક્રમાના પડાવના સ્થળો જેવા કે જીણા બાવાની મઢી, સરકડીયા, મારવેલા, બોરદેવી સહિતના સ્થળોએ સરકારી દવાખાનાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. યાત્રાળુઓએ આરોગ્યને હાનિકારક ફરસાણ, વાસી ફળો અને ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ખાવાનું ટાળવું. પીવા માટે માત્ર ક્લોરીનેશન કરેલું સુરક્ષિત પાણી જ વાપરવું. નદી-નાળાનું પાણી ન પીવું. પરિક્રમાના રસ્તાઓ અત્યંત શ્રમયુક્ત અને ચઢાણવાળા (ઘોડીના રસ્તા) હોય છે. ભૂતકાળમાં આ રસ્તાઓ પર હૃદયની તકલીફ ધરાવતા લોકો અને વયોવૃદ્ધોને વધુ તકલીફ પડવા અને મૃત્યુના કિસ્સા બન્યા હોવાથી, આવા લોકોને આ વર્ષે પરિક્રમા ન કરવા વિનંતી કરવામાં આવે છે. આકસ્મિક સંજોગોમાં દરેક સ્થળે રાખેલા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.