દાયકાથી સતત ખરીદી તથા વધતા ભાવની અસર
1996-97 બાદ પ્રથમ વખત મુલ્ય સર્વોચ્ચ સ્તરે પહોંચ્યુ : કુલ વિદેશી હુંડીયામણ અનામતમાં 14.7% હિસ્સો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સોના-ચાંદીના ભાવમાં કેટલાક વખતથી ધરખમ તેજી છે.ભારતીય રિઝર્વ બેન્ક છેલ્લા મહિનાઓથી સોનાની સતત ખરીદી કરી જ રહી છે. સાથોસાથ ભાવ વધી રહ્યા હોવાથી ભારતના ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પ્રથમ વખત 100 અબજ ડોલરને આંબી ગયુ છે.
10 મી ઓકટોબરે પુરા થયેલા સપ્તાહના અંતે ભારતના ગોલ્ડ રિઝર્વનું મુલ્ય 3.6 અબજ ડોલર વધીને 102.4 અબજ ડોલર થયુ હતું.
જયારે કુલ વિદેશી હુંડીયામણ અનામત 2.2 અબજ ડોલર ઘટીને 697.8 અબજ ડોલરની રહી હતી.
વિદેશી હુંડીયામણ અનામતમાં સોનાનો હિસ્સો વધીને 14.7 ટકા થયો છે.જે 1996-97 પછીના સૌથી ઉંચા સ્તરે છે. છેલ્લા એક દાયકામાં સોનાની સતત ખરીદી તથા ઉંચા ભાવ એમ બેવડી અસરથી અનામત ભંડોળમાં સોનાનો હિસ્સો સાત ટકાથી વધીને ડબલ થઈ ગયો છે.
સપ્તાહ દરમ્યાન વિદેશી કરન્સી એસેટસ 5.6 અબજ ડોલર ઘટીને 572.1 અબજ ડોલર રહી ગઈ હતી.
છેલ્લા વર્ષોમાં સોનાની સતત ખરીદી વચ્ચે ચાલુ સાલ ખરીદી ધીમી પડી હતી. નવમાંથી માત્ર ચાર મહિનામાં જ રિઝર્વ બેન્કે સોનુ ખરીદ કર્યું હતું.
આગલા વર્ષોમાં લગભગ દર મહિને સોનાની ખરીદી કરી હતી. ચાલૂ સાલ જાન્યુઆરીથી સપ્ટેમ્બરના સમયગાળામાં માત્ર ચાર ટનની ખરીદી કરવામાં આવી હતી.
જે ગત વર્ષનાં આ ગાળામાં 50 ટન હતી. ગોલ્ડ રિઝર્વનાં મુલ્ય વધારા પાછળનું આજ સૌથી મોટુ કારણ છે.ચાલુ વર્ષે સોનાના ભાવમાં 65 ટકાનો વધારો થયો છે. એટલે સ્ટોકનાં સોનાની કિંમત ઘણી વધી ગઈ છે.
દુનિયાભરની સેન્ટ્રલ બેન્કે કરન્સી તથા ડેટના જોખમો સામે હેજીંગ પ્રવૃતિનાં ભાગરૂપે સોનાની ખરીદી કરીને સ્ટોક વધારી રહી છે. 10 ઓકટોબરની સ્થિતિએ સોનાનો સ્ટોક અંદાજીત 880 ટદ રહ્યો છે. રિઝર્વ બેન્કનાં ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે સોનામાં તેજીથી ભારતનું રિઝર્વ મજબુત બન્યુ છે.
ધનતેરસે રાહત : સોના- ચાંદીના ભાવમાં ગાબડું
- Advertisement -
આજે 50,000 કરોડનું 39 ટન સોનું વેચાવાનો અંદાજ
સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજી વચ્ચે આજે ધનતેરસના પવિત્ર દિવસે રાહત મળી હોય તેમ ભાવ વધતા અટકયા હતા અને કડાકો સર્જાયો હતો. વિશ્વ બજારમાં રાત્રે સોનું તથા ચાંદીમાં જોરદાર ગાબડુ પડવા સાથે ઉથલપાથલ સર્જાઈ હતી. કોમોડીટી એકસચેંજમાં એક તબકકે ચાંદીમાં 12000 તથા સોનામાં 3500 રૂપિયાથી વધુનો કડાકો સર્જાયો હતો.ધનતેરસના આજના પવિત્ર દિવસે સોના-ચાંદીની ખરીદીનું અનેરૂ મહાત્મ્ય છે. બેફામ તેજી બાદ આજે આંશીક રાહત મળતાં શુકનવંતી ખરીદીમાં ગ્રાહકોને હાશકારો થાય તેમ છે. ઈન્ડિયા બુલીયન જવેલરી એસોસીએશનના અંદાજ પ્રમાણે સોનાના ભાવ ઉંચા હોવા છતાં આજે ભારતમાં 35 થી 39 ટન સોનાનું વેચાણ થશે. જવેલરીનાં વેચાણમાં 25-30 ટકાનો ઘટાડો થઈ શકે છે. છતા સિકકા બિસ્કીટની ડીમાંડ સારી રહેશે. ગત વર્ષની ધનતેરસની સરખામણીએ સોનામાં 50939 તથા ચાંદીમાં 71357 રૂપિયાનો વધારો છે જે અનુક્રમે 65 ટકા તથા 73 ટકાની ભાવ વૃદ્ધિ સુચવે છે. ભારતમાં આજે 50,000 કરોડના સોનાનું વેંચાણ થવાનો અંદાજ છે. દરમ્યાન આજે સોના તથા ચાંદી બન્નેનાં ભાવમાં ઘટાડો હતો.વિશ્વ બજારમાં રાત્રે ભાવમાં જબરી ઉથલપાથલ મચી હતી. ઉંચામાં 4379 ડોલરવાળો ભાવ 4200 ની નજીક આવી ગયો હતો અને છેવટે 4251 ડોલર હતો. ચાંદી ઉંચામાં 54 ડોલરને વટાવી ગયા બાદ 51 ડોલર સુધી ઉતરી આવી હતી અને છેવટે 51.94 ડોલર હતો.