રાજ્યની સ્થાપનાથી લઇ અત્યાર સુધીમાં છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી તરીકે સંઘવી જવાબદારી સંભાળશે
સાડા ત્રણ વર્ષ બાદ ગુજરાતને Dy. CM મળ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળમાં સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. મહત્વપૂર્ણ છે કે સૌથી નાની વયે રાજનીતિની શરૂઆત કરનાર હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવામાં આવ્યા છે. જેઓ મંત્રીમંડળમાં સૌથી યુવા ચહેરો છે. સાડા ત્રણ વર્ષ બાદ ગુજરાતને ડેપ્યુટી સીએમ મળ્યા છે.
મજુરા વિધાનસભા સીટથી પ્રતિનિધિત્વ કરનાર હર્ષ સંઘવી માત્ર નાની ઉંમરે ધારાસભ્ય જ નહોતા બન્યા. પરંતુ તેમને સૌથી નાની ઉંમરે ગૃહમંત્રાલય જેવો સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો પણ સંભાળ્યો છે. આખા ગુજરાતમાં એક ગૃહરાજ્યમંત્રી તરીકે પોતાની એક અલગ છાપ છોડી છે. મહત્વની બાબત તો એ છે કે હર્ષ સંઘવીના પરિવારને રાજકારણમાં દૂર દૂર સુધી કોઇ સંબધ નથી. આવો જાણીએ હર્ષ સંઘવી કોણ છે ક્યારથી કારકિર્દીની શરૂઆત કરી..
- Advertisement -
હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985ના રોજ સુરતમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ કુમાર સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન સંઘવી છે. હર્ષ સંઘવીએ 8માં ધોરણ સુધીનો જ અભ્યાસ પૂર્ણ કર્યો છે. હર્ષ સંઘવીએ પ્રાચીબેન સંઘવી સાથે લગ્ન કર્યા છે. જેઓ હાલ ગૃહિણી છે. હર્ષ સંધવીને સંતાનમાં એક પુત્ર આરૂષ અને પુત્રી નિરવા છે.
હર્ષ સંઘવી માત્રે 15 વર્ષની વયે રાજકારણમાં જોડાયા હતા. ભાજપની યુવા પાંખમાં કામ કરતા સમયે તેઓ યુવા મોરચામાં જોડાયા. હર્ષ સંઘવીએ અનુરાગ ઠાકુર અને પંકજા મુંડે સાથે પણ કામ કર્યુ હતુ. જે સમયે વર્ષ 2014માં જ્યારે પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી ત્યારે હર્ષ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એજ સમયથી ચર્ચામાં આવેલ હર્ષ સંઘવી પીએમ મોદી અને અમિત શાહના પ્રિય બની ગયા હતા.
2012માં હર્ષ સંઘવીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મજુરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ચૂંટણી તેઓ રેકોર્ડ બ્રેક વોટ જીતવામાં સફળ રહ્યા હતા અને તે સમયના સૌથી યુવાન ધારાસભ્ય બન્યા. 2017માં પણ તેમને ટિકિટ મળી હતી. આ સમયે પણ તેઓ ચૂંટણી જીત્યા હતા. આ બાદ તેઓ ગુજરાત સરકારમાં સૌથી યુવા ગૃહમંત્રી બન્યા. હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર મેળાનુ આયોજન કરે છે અને આ જ કારણ છે કે તેમને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે.
1972માં ચીમન પટેલ અને કાંતિલાલ ઘિયા, 1990માં કેશુભાઈ પટેલ, 1994માં નરહરિ અમીન અને રૂપાણી સરકારમાં નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા
અત્યાર સુધી એક પણ નાયબ મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી
ગુજરાતના રાજકારણમાં ક્યારેક રાજકીય કદ માટે તો ક્યારેક નેતાઓને સાચવવા માટે એક પદ આપવામાં આવે છે. તે છે રાજ્યના ડેપ્યુટી સી. એમનું પદ. ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીમાં 4 મુખ્યમંત્રીએ પોતાની સરકારમાં ડે. સીએમનું પદ આપયુ એમ પણ વર્ષ 1972માં ઘનશ્ર્યામ પટેલની સરકારમાં એક સાથે બે નાયબ મુખ્યમંત્રીને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ અત્યાર સુધીમાં ફક્ત 5 ડેપ્યુટી સીએમ ગુજરાતને મળ્યા છે. ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ 17 મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે બીજી તરફ જો નાયબ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. જેમાં વર્ષ 1972માં ઘનશ્ર્યામ પટેલની સરકારમાં ચીમન પટેલ અને કાંતિલાલ ઘિયા આ બંને નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ સવા વર્ષમાં જ તેમને પદ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ વર્ષ 1990માં ચીમનભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ તેમણે પણ 5 વર્ષ પૂરા કર્યા ન હતા. અને 7 મહિનામાં જ પદ પરથી હટી ગયા. વર્ષ 1994માં છબિલદાસ મહેતાની સરકારમાં 13 મહિના માટે નરહરિ અમીનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અને છેલ્લા રૂપાણી સરકારમાં નીતિન પટેલ બે અધૂરી ટર્મ માટે નાયબ મુખ્યમંત્રી રહ્યા. આમ ગુજરાતમાં અત્યાર સુધી એક પણ નાયબ મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી.