સરકાર તાત્કાલીક નિર્ણય નહીં લે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
બોટાદ જિલ્લામાંથી ખરીદી પછી ખેડૂતો સાથે થતાં કડદા સામે આમઆદમી પાર્ટીના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે, ગુજરાત સરકારના ધ્યાન ઉપર આ બાબત છે જ છતાં ખેડૂતો સાથે થઈ રહેલ ગંભીર અન્યાય સામે સરકાર મૌન છે. આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે.
એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમારી એ ફરજ છે કે ખેડૂતોને થઈ રહેલ આ હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવીએ, ખેડૂતોને ન્યાય અપાવીએ. ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે અમે સરકારની ઉદાસીનતાનો વિરોધ કરીએ છીએ અને ખેડૂતોના હિતમાં કડદા પ્રથા સદંતર બંધ થાય, કડદો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય તેવી લેખિત બાંહેધરી આપવામાં આવે, એપીએમસીથી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવે, નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે, ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આ માગણીઓ બાબતે સરકાર તાત્કાલિક કોઈ લેખિત બાંહેધરી આપવામાં નિષ્ફળ જાય તો અમારે નાછૂટકે ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવાની ફરજ પડશે જેની નોંધ લેવા વિનંતી.