ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
મેડિકોસ ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે એક સફળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુ, બ્લડ બેન્ક ઇન્ચાર્જ ડો. ભાવિન પઢારીયા, તથા મેડિકોસ ફાઉન્ડેશનના સ્થાપક મનીષભાઈ હડિયા, મિહિરભાઈ મહેતા અને પ્રમુખ ડો. રાજન ભાદરકા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં ૠખઊછજ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ ઓફિસર, પેરા મેડિકલ સ્ટાફ, વહીવટી સ્ટાફ અને કર્મચારીઓ સહિત મેડિકોસ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા કાર્યકરોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 101 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું છે. એકત્ર કરાયેલું આ રક્ત થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ, કેન્સર તથા ટીબીના દર્દીઓ જેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન સમાન સહાયરૂપ બનશે.
જૂનાગઢ સિવિલ હૉસ્પિટલ ખાતે સફળ રક્તદાન શિબિર, 101 બોટલ રક્ત એકત્ર
