રૂટિન તપાસ છે, ટીમ દ્વારા દવાના જથ્થાનું ચેકિંગ કરાયુ: ડૉ. હિતેષ પ્રજાપતિ
ગાંધીનગરની તપાસ ટીમની અચાનક કાર્યવાહીથી હલચલ મચી: દવાના જથ્થા અને વિતરણની થઈ તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મોરબી રોડ ઉપર આવેલી G.M.S.C.Lના ગોડાઉનમાં દવાનો જથ્થો રાખવામાં આવે છે ત્યાં આજે સવારે ગાંધીનગરની ટીમ ત્રાટકી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે ત્યાં રહેલા દવાઓના જથ્થા, સ્ટોક રજિસ્ટર અને વિતરણ પ્રક્રિયાની વિગતવાર તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ટીમે વિવિધ દવાઓની ગુણવત્તા અને સમયમર્યાદા (એક્સપાયરી) અંગે પણ તપાસ કરી. સાથે જ વિતરણ માટે તૈયાર દવાઓનું રેકોર્ડ ચકાસી જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી. સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારી ડો. હિતેષ પ્રજાપતિએ જણાવ્યું કે તપાસની સંપૂર્ણ વિગત રિપોર્ટ મળ્યા બાદ જ જાહેર કરવામાં આવશે.
અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ગોડાઉનમાં અઠવાડિયાથી દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળ્યા હોય તેવી ઘટના સામે આવી હતી. ત્યારે દવાઓનો જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હતો ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હતા.
કોઈ પણ અધિકારીની હાજરી કે ગોડાઉન મેનેજરની હાજરી વિના જ દવાઓના જથ્થાનો સપ્લાય થઈ રહ્યો હતો. જેને લઈને ગાંધીનગરની ટીમે ફરીથી આજે તપાસ કરી હતી પરંતુ આ વખતે હજુ સુધી કોઈ શંકાસ્પદ માહિતી સામે આવી નથી.