ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જૂનાગઢ મહાનગરમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો છે. 7 વર્ષના બાળકોથી લઈને 90 વર્ષ સુધીના વયસ્ક રમતવીરો સહિત કુલ 1,15,000 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે બદલ ગુજરાત સરકારવતી તમામ વયજૂથના ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
કુલ 24 જેટલી રમત સ્પર્ધાઓનું આયોજન શાળા, વોર્ડ, ઝોન અને મહાનગર કક્ષાએ કરવામાં આવશે. આ તમામ સ્પર્ધાઓ 30 નવેમ્બર, 2025 સુધીમાં જૂનાગઢ મહાનગર ખાતે યોજાશે આ મહાકુંભ યુવા અને વયસ્ક ખેલાડીઓ માટે મહત્વની તક પૂરી પાડશે અને યુવા ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરશે તેમજ વયસ્ક ખેલાડીઓ હેલ્થ કોન્શિયસ બનશે. બાળ ખેલાડીઓ યંગ ટેલેન્ટ અને સ્કૂલ ટેલેન્ટના માધ્યમથી ઓલિમ્પિક 2036 માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પ્રાપ્ત કરશે. ઝોન અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓને વ્યક્તિગત રીતે રૂ. 5,000 સુધીનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
કુલ મળીને રૂ. 45,00,000 થી વધુની રોકડ રકમ ઉઇઝના માધ્યમથી એનાયત કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી યોજાનાર વિવિધ સ્પર્ધાઓ માટેના સ્થળોમાં સરદાર પટેલ રમત સંકુલ, જીમખાના, મહાનગરપાલિકા સ્વિમિંગ પૂલ તેમજ સરકારી અને ખાનગી સ્પોર્ટ્સ ક્લબોમાં ઉપલબ્ધ ઉત્તમ રમત મેદાનોનો ઉપયોગ કરવામાં આવશે. સ્પર્ધા સ્થળો અને તારીખો દર્શાવતી માહિતી પુસ્તિકા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવશે.