કાજલી ખાતે બે દિવસિય ’રવિ કૃષિ મહોત્સવ’: કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા રવિ પાકો અને આધુનિક કૃષિ તાંત્રિકતા વિશે માર્ગદર્શન
જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ લાભો અપાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે કાજલી ખાતે તા. 14 ઓક્ટોબરના દિવસના રોજ કૃષિ વિકાસ દિનના માધ્યમથી ‘રવિ કૃષિ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાજલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેડૂતોને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ટ્રેક્ટર, તાલપત્રી, રોટાવેટર, સોલાર પાવર યુનિટ સહિતના લાભાર્થીઓને હાથોહાથ લાભો આપવામાં આવ્યાં હતાં. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, કાજલી ખાતે જિલ્લાકક્ષાનો અને બાકીના તાલુકાઓમાં દ્વિ-દિવસીય “કૃષિ વિકાસ દિવસ-2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ-2025” કાર્યક્રમ થકી ખેડૂતોને રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લાના ખેડૂતોને વિવિધ સહાયની માહિતી પૂરી પાડતા તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં 2076 ખેડૂતોને ટ્રેક્ટર, તાલપત્રી, રોટાવેટર સહિતની રૂ.7 કરોડથી વધુની ખેતીલક્ષી સહાય મંજૂર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા પાક પરિસંવાદો અને નવીન ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શનો પણ યોજાશે. જેમાં ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ પૂરી પાડવામાં આવશે.
ખેડૂત લાભાર્થીઓને મળેલા લાભ અંગે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25માં ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત યોજનાઓમાં કુલ 24,549 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જિલ્લામાં કુલ 1,13,000 એક્ટિવ લાભાર્થીઓને વાર્ષિક રૂ.6000 ની નાણાકીય સહાય મળે છે. જે અંતર્ગત 20માં હપ્તામાં કુલ રૂ. 25 કરોડની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આમ કહી તેમણે જિલ્લાના ખેડૂતો ખેતી ક્ષેત્રે અવિરત પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
રવિ કૃષિ મહોત્સવ પૂર્વે સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિત તમામ મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલધારકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્ટોલના માધ્યમથી ખેડૂતો નવીન કૃષિ ટેકનોલોજી આધારિત પ્રદર્શન, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત ઉત્પાદનોના વેચાણ અંગે માહિતીમેળવીશકશે.