સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવાના નિવેદન બાદ પોલીસે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ, ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાના નિવેદન બદલ ચોટીલા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને પોલીસે નજરકેદ કર્યા હતા.
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયેલા ઘર્ષણ અને નિર્દોષ ખેડૂતો પર થયેલા લાઠીચાર્જની ઘટના બાદ ઋત્વિક મકવાણા ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા. તેમણે નિર્દોષ ખેડૂતોને તાત્કાલિક છોડી દેવા અને ઘટનાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી.
વધુમાં, તેમણે ખેડૂતોને કૃષિ મહોત્સવ જેવા સરકારી કાર્યક્રમોમાં ભાગ ન લેવા અને આંદોલનને મજબૂત કરવા માટે આહ્વાન કર્યું હતું. આ નિવેદન બાદ સવારથી જ ચોટીલા પોલીસે ઋત્વિક મકવાણાને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ રાખ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ તેમના સમર્થકો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.