ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા તેમની સામે કેશોદ પોલીસમાં થયેલી કથિત ખોટી ફરિયાદના વિરોધમાં આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. તેઓ ઢોલ-નગારા સાથે કેશોદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને આજના દિવસને ’ફરિયાદ દિવસ’ તરીકે ઊજવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પ્રવીણ રામે પોલીસ સમક્ષ દલીલ કરી હતી કે, જો અમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય, તો અમારી ધરપકડ કરી જ લો. પ્રવીણ રામ અને તેમના સાથી કાર્યકરો સામે ચાલીને ધરપકડ વહોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમની ધરપકડ કરવાની ના પાડી હતી. આ સમયે પ્રવીણ રામે જણાવ્યું હતું કે, અમે ખોટી ફરિયાદોથી ડરતા નથી, એટલે જ સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા છીએ. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે, જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરો, અમે જનતા માટે લડતા રહીશું.
- Advertisement -
આ કાર્યક્રમમાં પ્રવીણ રામની સાથે પક્ષના અગ્રણીઓ પિયુષભાઈ પરમાર, બાલુભાઈ પરમાર, પ્રવીણ પટેલ, રાકેશ વણપરિયા, કિશોરભાઈ કોટેચા, બાલાભાઈ કાનગઢ, દિલીપ જાસોલિયા અને ફળદુ ભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. પ્રવીણ રામે જાહેરાત કરી હતી કે, આ ખોટી ફરિયાદના વિરોધમાં તેઓ આવતીકાલે એક નવો કાર્યક્રમ જાહેર કરશે તેમ જણાવ્યું હતું.