સરગમ ક્લબ અને મારવાડી એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે તા. 03/10/2025ને શુક્રવારે 200થી વધુ ઇનામો સાથે રાસોત્સવ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મા ભગવતીની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી નિમિત્તે સરગમ ક્લબ અને મારવાડી એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ’સરગમી રાસોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવ તા. 03 ઓક્ટોબર, 2025 ને શુક્રવારના રોજ રાત્રે 9:00 વાગ્યે ડો. યાજ્ઞિક રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના મેદાનમાં યોજાશે.
આ ભવ્ય રાસોત્સવમાં પ્રમુખ સ્થાન કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા શોભાવશે. તેમની સાથે મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડીયા, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ મિતલભાઈ ખેતાણી, લોધિકા તાલુકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ (ઠુમ્મર), પૂર્વ મેયર પ્રદિપભાઇ ડવ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
સંગીત અને વ્યવસ્થા આકર્ષણનું કેન્દ્ર: રાસોત્સવમાં મન્સુર ત્રિવેદી પ્રસ્તુત ’મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા’ ધૂમ મચાવશે.
સંગીતના તાલે ખેલૈયાઓને ઝૂમતા કરવા માટે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત પ્રિયા જોષી, ભાવના સોની, હેમાન્દ્રી ત્રિવેદી અને રાજકોટના નિલેષ પંડ્યા માતાજીના ગરબાની પ્રસ્તુતિ કરશે. આયોજકો દ્વારા ડી.એચ. કોલેજના મેદાનમાં સભ્યો અને મુલાકાતીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા અને જડબેસલાક સિક્યુરીટી ગોઠવવામાં આવી છે. આ રાસોત્સવમાં સરગમ ક્લબના તમામ ગ્રુપોમાં થઈને 200 થી વધુ ઇનામો રાખવામાં આવ્યા છે, જેમાં ક્લબના તમામ સભ્યો મોટી સંખ્યામાં જોડાશે.
- Advertisement -
પ્રવેશ નિયમો: સરગમ ક્લબના સભ્યો (સરગમ જેન્ટ્સ ક્લબ, સરગમ લેડીઝ ક્લબ, સિનિયર સિટીઝન ક્લબ, સરગમ કપલ કલબ, ઈવનીંગ પોસ્ટ) માટે આઈ-કાર્ડ ફરજિયાત છે, જે વિના પ્રવેશ મળશે નહીં. જે કોઈ ગેસ્ટને માત્ર રાસોત્સવ જોવા માટે આવવું હોય, તેઓએ રૂ. 20/-ની એન્ટ્રી ટિકિટ લઈને પ્રવેશ મેળવવાનો રહેશે, તેમજ પાર્કિંગનો ચાર્જ ચૂકવવાનો રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા મારવાડી એજ્યુકેશનના ચેરમેન કેતનભાઈ મારવાડી અને જીતુભાઈ ચંદારાણાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ સહિતના કાર્યકરોની વિશાળ ટીમ જહેમત ઉઠાવી રહી છે.