નાટકો કરવાથી સત્ય બદલાઈ નહીં જાય… લાદેનને આશરો આપનાર પાકિસ્તાન હવે શાંતિની વાત કરે છે? : ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે લાદેનથી માંડીને ઓપરેશન સિંદૂર સુધીની તમામ પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કર્યું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદ મામલે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝનો ચહેરો ઉઘાડો પાડી દીધો છે. પાકિસ્તાન કેવી રીતે શિષ્ટતાની આડમાં આતંકવાદી અડ્ડાઓ ચલાવે છે, ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સમગ્ર રહસ્યોનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું હતું કે આજે સવારે પાકિસ્તાનના વડાપ્રધાને ફરી એકવાર આતંકવાદ પર એ જ જૂનો સૂર આલાપ્યો. તેમણે આતંકવાદનો મહિમા ગાયો, જે પાકિસ્તાનની વિદેશનીતિના કેન્દ્રમાં રહેલો છે.
આ એ જ પાકિસ્તાન છે, જેણે 25 એપ્રિલ, 2025ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રેજિસ્ટેન્સ ફ્રન્ટનો બચાવ કર્યો હતો. આ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠને પહેલગામમાં પ્રવાસીઓની હત્યા કરી હતી. પાકિસ્તાનનો આતંકવાદને પોષવાનો અને પ્રોત્સાહન આપવાનો લાંબો ઇતિહાસ છે છતાં તેમને કોઈ શરમ નથી. યાદ રાખો પાકિસ્તાને દાયકાઓ સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો અને સાથે સાથે આતંકવાદ સામેની લડાઈમાં પોતાને એક મુખ્ય ભાગીદાર તરીકે રજૂ કરતું રહ્યું હતું. આતંકવાદ મામલે ભારતે યુએનમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં ધોલાઈ કરી છે.
પાકિસ્તાન ગમે તેટલું નાટક કરે કે જૂઠું બોલે, આતંકવાદ મામલે તેનાં કૃત્યો છુપાઈ શકશે નહીં. ઓસામા બિન લાદેનને દાયકાઓ સુધી છુપાવનાર પાકિસ્તાન, આતંકવાદ સામેની લડાઈમાં પોતાને મુખ્ય ભાગીદાર ગણાવવામાં શરમ અનુભવતું નથી. હાલમાં એક પાકિસ્તાની મંત્રીએ સ્વીકાર્યું કે આતંકવાદી કેમ્પો ત્યાં દાયકાઓથી ચાલે છે. એક તસવીર હજાર શબ્દો કરતાં વધુ બોલી જાય છે. જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો, ત્યારે પાકિસ્તાનના વરિષ્ઠ મંત્રીઓ અને સૈન્ય અધિકારીઓ ખુલ્લેઆમ આતંકવાદીઓને શ્રદ્ધાંજલિ આપતા દેખાયા હતા.
આતંકવાદી ઓસામા બિન લાદેનને યાદ કરતાં પેટલ ગેહલોતે કહ્યું, ‘જે દેશ લાંબા સમયથી આતંકવાદને ઉછેરવાની અને ફેલાવવાની પરંપરામાં ડૂબેલો છે તેને આ હેતુ માટે સૌથી હાસ્યાસ્પદ નિવેદનો ઘડવામાં કોઈ શરમ નથી. યાદ કરો કે તેણે એક દાયકા સુધી ઓસામા બિન લાદેનને આશરો આપ્યો હતો અને આતંકવાદ સામેના યુદ્ધમાં ભાગીદાર હોવાનો ડોળ કર્યો હતો. તેમના મંત્રીઓએ હાલમાં સ્વીકાર્યું છે કે તેઓ દાયકાઓથી આતંકવાદી કેમ્પો ચલાવી રહ્યા છે. આ વખતે વડાપ્રધાનના સ્તરે આ દંભ ફરી એકવાર ચાલુ રહે એ આશ્ર્ચર્યજનક નથી.’
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણનો જવાબ આપતાં ભારતે કહ્યું, ‘આજે સવારે આ સભાએ પાકિસ્તાનના વડાપ્રધાનના વાહિયાત નાટકનું સાક્ષી બન્યું, જેમણે ફરી એકવાર આતંકવાદના ગુણગાન ગાયા.’ ખરેખર, સદીઓથી આ પાકિસ્તાનની વિદેશનીતિમાં કેન્દ્રીય રહ્યું છે, જોકે પાકિસ્તાન ભૂલી જાય છે કે ગમે તેટલું નાટક કે જૂઠાણું પુરાવા છુપાવી શકતું નથી. આ એ જ પાકિસ્તાન છે, જેણે 25 એપ્રિલ, 2025ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠન, ‘રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્ર્મીરમાં પ્રવાસીઓના ક્રૂર હત્યાકાંડની જવાબદારીથી બચાવ્યું હતું.
પાકિસ્તાન આતંકવાદી કેમ્પો બંધ કરે, આતંકવાદીઓ ભારતને સોંપી દે
ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું, પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ બંધ કરે અને બધા આતંકવાદીઓ ભારતને સોંપી દે. પાકિસ્તાન આતંકવાદ ફેલાવવામાં વ્યસ્ત છે. તે ભારતમાં આતંકવાદીઓને મોકલે છે. પછી તેને હાસ્યાસ્પદ કહાનીઓ બનાવવામાં પણ કોઈ શરમ નથી આવતી. દુનિયા જાણે છે કે પાકિસ્તાને આતંકવાદી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો. પેટલ ગેહલોતે કહ્યું, ‘પાકિસ્તાની વડાપ્રધાને ભારત સાથે શાંતિની વાત કરી છે. જો તેઓ ખરેખર નિષ્ઠાવાન છે તો રસ્તો સ્પષ્ટ છે. પાકિસ્તાને તાત્કાલિક તમામ આતંકવાદી કેમ્પ બંધ કરવા જોઈએ અને ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓને સોંપવા જોઈએ.’ એ પણ મૂંઝવણ છે કે જે દેશ નફરત, કટ્ટરતા અને અસહિષ્ણુતાના માર્ગે ચાલે છે તે આ સભાને આસ્થાના મુદ્દાઓ પર ઉપદેશ આપી રહ્યો છે. ‘પાકિસ્તાનનું રાજકીય અને જાહેર પ્રવચન તેનો સાચો ચહેરો દર્શાવે છે. સ્પષ્ટપણે, તેમના માટે અરીસામાં જોવાનો પણ સમય ઘણો વીતી ગયો છે.’