પ્રકૃતિ અને પર્યાવરણ જતન અર્થે એક વૃદ્ધની પ્રેરણાદાયી પહેલ
આવતીકાલે વિશ્ર્વ પર્યાવરણ આરોગ્ય દિવસ: પ્લાસ્ટિક- પોલિથીનએ પર્યાવરણ માટે ઘાતક, નાગરિકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
“જટ જાઓ, કાપડની થેલી લાવો, પ્લાસ્ટિકના ઝબલા નહીં ચાલે..” રાજકોટમાં ક્યાંય આવું ગીત સંભળાય તો માનજો કે આસપાસ ક્યાંક કાપડની થેલી વિતરણ કરતા એક દાદા ફરી રહ્યા છે… દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ ’વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મનાવવામાં આવે છે. પર્યાવરણ એ માનવીની જીવાદોરી છે. આ વાતને કેન્દ્રમાં રાખતા રાજકોટના 73 વર્ષીય કાંતિલાલ ભૂતે પ્રકૃતિ અને પર્યાવરણ જતન અર્થે પ્રેરણાદાયી પહેલ કરી છે. પ્લાસ્ટિક પોલિથીન એ પર્યાવરણ માટે ઘાતક છે, ત્યારે નાગરિકો તેનો ઉપયોગ ટાળે તે માટે આ 73 વર્ષીય વડીલ શહેરની મુખ્ય બજારો, મેળાઓમાં કાપડની થેલી વાપરવાનો સંદેશો દર્શાવતા બોર્ડ હાથમાં લઈને ફરે છે, કાપડની થેલીનું વિતરણ કરે છે અને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપે છે.
કાંતિલાલ પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી તેમની ધર્મપત્ની સાથે મળીને કપડાંની થેલીઓ બનાવી રહ્યા છે અને તેનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, મે શનિવારી બજારમાંથી કાપડ ખરીદીને થેલીઓ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, તેમણે નજીવા દરે થેલીઓ વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ સારો પ્રતિસાદ ન મળ્યો. ત્યારબાદ, તેમણે આ થેલીઓ વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું, તો લોકોએ આનંદ સાથે તેમની પાસેથી થેલીઓ લઇ તેનો ઉપયોગ શરૂ કર્યો અને સામેથી દાન પણ આપવા લાગ્યા. તેમને પહેલું દાન રૂ. 5 હજારનું મળ્યું અને અત્યાર સુધીમાં તેમને કુલ રૂ. 40 હજારથી વધુ રકમનું દાન મળ્યું છે. તેઓ શાક માર્કેટ, ફૂલ બજાર, રામનાથપરા સ્મશાન પાસે અને રેસકોર્સમાં પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત વસ્તુઓ સહિત ઉત્પાદનોનું વેચાણ થતા ખેડૂત હાટ ખાતે કાપડની થેલી વિતરિત કરે છે.



