અબતક સુરભી રાસોત્સવમાં ત્રીજા નોરતે ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપ પર રાસ રમ્યા
પ્રખ્યાત ગાયક કલાકારો માર્ગી પટેલ અને મૃદુલા ઘોષના સૂરીલા સ્વરોએ ખેલૈયાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર રેસકોર્સમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અબતક સુરભી દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે ત્રીજા નોરતે પણ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો હતો. પ્રખ્યાત ગાયક કલાકારો માર્ગી પટેલ અને મૃદુલા ઘોષના સુરીલા સ્વરોએ ખેલૈયાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા. અલગ અલગ ગ્રુપ દ્વારા અવનવા ડ્રેસકોડ સાથે સુર અને તાલ સંગ રાસ રમતા ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એકથી એક ચઢીયાતા પ્રાચીન-અર્વાચીન ગરબા અને ગીતો તેમજ ઓર્કેસ્ટ્રા અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયાઓ આફરીન થયા હતા અને મન મૂકી ઝૂમી ઉઠ્યા હતા. ત્રીજા નોરતે અબતક સુરભિ રાસોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. નિર્ધારિત સમયે શરૂ થયેલા રાસોત્સવના પ્રારંભે ધર્મ સંસ્કૃતિની ઉપાસના અને આરતીથી શરૂ થયેલા રાસમાં હજારો ખેલૈયાઓ ગાયક કલાકારોના સૂર અને તાલના સથવારે કલાકો સુધી અવિરત રાસ રમતા રહ્યા હતા. અબતક સુરભીમાં પહેલા દિવસથી રોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યામાં વધારાની પરંપરા અકબંધ રહી હતી. હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે સુરભી રાસોત્સવની રોનક વધારી હતી. શરૂઆતથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી નિરંતર આનંદ ઉત્સાહ સતત વધતો રહ્યો હતો. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી. આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ઇન્કમટેક્સના ચીફ કમિશનર સતીશકુમાર ગોયલ, જોઈન્ટ કમિશનર અનાદિ દીક્ષિત, આસિસ્ટન્ટ કમિશનર વિન્સેન્ટ કોલાસો, પર્સનલ સેક્રેટરી પ્રગ્નેશભાઈ રાઉત, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્વેસ્ટીગેશાન વિગ ઉમેશ પાઠક, ઉધોગપતિ જયેશભાઈ સોરઠીયા, સિલ્વર પંપના એમ.ડી. વિનીતભાઈ બેડીયા, ડીએન આહ્યા કંપનીના સીએસ દર્શિત આહ્યા અને સીએ જલ્પા આહ્યા તેમજ બેંક ઓફ મહારાષ્ટ્રના મેનેજર રામગોર પરિવાર સાથે અબતક સુરભી રાસોત્સવમાં પધાર્યા હતા.



