ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
‘સ્વચ્છતા હી સેવા-2025’ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. નિષ્ણાત તબીબોની ટીમે એનીમિયા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને રક્ત પરીક્ષણ જેવી સેવાઓ પૂરી પાડી હતી અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, એક રક્તદાન શિબિર પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વઢવાણ તાલુકાના વસ્તડી, ખોડુ અને રામપરા ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ હતું. આ પહેલથી ગામડાઓમાં સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે. આ કાર્યક્રમ સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશો ફેલાવવામાં સફળ રહ્યો હતો.