સરકારી કામકાજ માટે હવે દૂર સુધી જવું નહીં પડે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકાર નવો ખેલ ખેલી શકે છે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15થી 17 જેટલા નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ સરળ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં સુધારો થવાની શક્યતા છે. નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિ બંનેનો બચાવ થશે.
જો આ નિર્ણયનું અમલીકરણ કરવામાં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ પગલાને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
- Advertisement -
અગાઉ 9 નગરપાલિકાને મનપાનો દરજ્જો આપ્યો હતો
2025ની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાને 9 મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો હતો. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો. એ પહેલા રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં હતી. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો. ગત જાન્યુઆરીમાં રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ હતી.