માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસોત્સવમાં બીજા નોરતે ગરબા રસિકો ઉમટ્યા
ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર રેસકોર્સમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અબતક સુરભી દ્વારા ધમાકેદાર રાસોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે બીજા નોરતે પણ ગરબા રસિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને મહાઆરતીથી પ્રારંભ કરી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. માતાજીના જયઘોષ અને ઢોલના તાલ પર ખેલૈયાઓની ટોળકી મસ્તીમાં ઝૂમી ઉઠી હતી. ગરબાની ધૂન, ઝગમગતા પ્રકાશ અને રંગીન માહોલે આખા મેદાનમાં ભક્તિ અને આનંદનો અનોખો સમન્વય સર્જ્યો. ગુજરાતની જાણીતી ગાયિકા માર્ગી પટેલના શૂર પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. આ ઉ5રાંત નવરાત્રીના પ્રથમ દિવસે આ ગ્રાઉન્ડ પર આયોજિત લેસર અને ફાયર ક્રેકર શો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ટ્રેડિશનલ, વિવિધતાથી ભરપૂર, નવતર ડિઝાઇનયુક્ત પોષાક, ભાતીગળ ભરતકામયુક્ત છત્રી સાથે આભલા ભરેલી ચણિયાચોળી ને કેડિયામાં સજ્જ ખેલૈયા જાતભાતના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓએ જમાવટ કરી હતી. સૌ કોઇ ટ્રેડીશનલ ચણીયા-ચોલી, કેળીયુ, કુર્તા-ઝભ્ભા પહેરીને ગ્રાઉન્ડ પર કલાકારોના સથવારે ઝુમી ઉઠ્યાં હતા. સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. આ તકે અબતક સુરભી રાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હરિવંદના કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઇ ચૌહાણ, રીટાયર્ડ ડી.વાય.એસ.પી. અજયસિંહ જાડેજા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.