દશેરા પૂર્વે યાર્ડોમાં 12,360 મણ આવક, ભાવ મુદ્દે ખેડૂત ચિંતિત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
વરસાદની વિદાય અને તહેવારોની સીઝન નજીક આવતા મોરબી અને વાંકાનેર તાલુકાના યાર્ડોમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે સપ્તાહમાં બન્ને યાર્ડ મળીને કુલ 12,360 મણ કપાસની આવક નોંધાઈ છે. જેમાં મોરબી યાર્ડમાં 5,535 મણ અને વાંકાનેર યાર્ડમાં 6,825 મણ આવક પહોંચી છે.
હાલમાં મોરબી યાર્ડમાં કપાસનો ભાવ લઘુત્તમ ₹850 થી મહત્તમ ₹1,525 નોંધાયો છે, જ્યારે વાંકાનેરમાં લઘુત્તમ ₹950 થી મહત્તમ ₹1,590નો ભાવ મળ્યો છે. જો કે, આજથી ત્રણ વર્ષ પહેલા ખેડૂતોને મણ દીઠ ₹1,800 સુધી ભાવ મળતો હતો, તેના મુકાબલે આ વર્ષે સરેરાશ ₹1,400-₹1,450 મળતા હોવાથી ખેડૂતોને મણ દીઠ ₹250 થી ₹500 સુધીનું નુકસાન થઈ રહ્યું છે.
- Advertisement -
ખેડૂતોએ જણાવ્યું કે વિઘા દીઠ સરેરાશ ખર્ચ ₹9,000 જેટલો થઈ રહ્યો છે. મોરબીના માનસર ગામના ખેડૂત જીતુભાઈ ઠોરીયાએ જણાવ્યું કે, હાલ જે ભાવ મળી રહ્યો છે તે પૂરતો નથી. જો ટેકાના ભાવે વેચાણ કરીએ તો વધુ ભાવ મળે તેવી આશા છે. તેથી આ વર્ષે ટેકાના ભાવે વેચાણ કરવાની તૈયારી છે.
કપાસની આવક હાલ મર્યાદિત છે, પરંતુ આવતા દિવસોમાં વધતી આવક સાથે ભાવ કઈ દિશામાં જશે તે સ્પષ્ટ નથી. કેન્દ્ર સરકારે અમેરિકાના કપાસ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવાથી બજારમાં વધુ પુરવઠો વધશે અને તેના પરિણામે સ્થાનિક કપાસના ભાવ ઘટવાની આશંકા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને વધારાનું નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલુ વર્ષે વેપારીઓને સીધું વેચાણ કરતા ખેડૂતો ટેકાના ભાવે વધુ વેચાણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.