ચાર મહિનામાં 165 ટ્રેન કેન્સલ, મુસાફરોમાં આક્રોશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબી જિલ્લાના રેલવે તંત્રની સ્થિતિ એવી થઈ ગઈ છે કે જાણે ગાડી પાટા પરથી ઉતરી ગઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેનની કુલ 165 ટ્રિપ રદ કરવામાં આવી છે. આજે તો તમામ 12 ટ્રિપ્સ રદ થતાં મુસાફરો ભારે મૂંઝવણમાં મુકાયા હતા.
- Advertisement -
મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે સમૃદ્ધ હોવા છતાં રેલવેની સુવિધામાં ભારે અભાવ અનુભવાઈ રહ્યો છે. લાંબા અંતરની ટ્રેનોને લઈ વર્ષોથી સામાજિક કાર્યકરો અને આગેવાનો રજૂઆત કરતા આવ્યા છે, છતાં હજુ સુધી કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નથી. જીલ્લામાં રાજ્યસભા સાંસદ સહિત પાંચ સાંસદોના મતક્ષેત્રો આવતાં હોવા છતાં ડેમુ ટ્રેન અવારનવાર રદ થતી હોવા બદલ રેલવે તંત્ર પર ઉંગળી ઊઠી રહી છે.
મેઇન્ટેનન્સ અને ટેકનીકલ કારણો દર્શાવી ડેમુ ટ્રેન રદ કરવામાં આવી રહી છે. ગત એપ્રિલથી ઓગસ્ટ 2025 દરમિયાન મોરબી-વાંકાનેર રૂટ પર કુલ 1,77,863 મુસાફરોએ સેવા લીધી હતી. જેમાં એપ્રિલમાં 38,109, મેઇમાં 42,660, જૂનમાં 36,606, જુલાઈમાં 28,938 અને ઓગસ્ટમાં 31,550 મુસાફરોનો સમાવેશ થાય છે. આંકડાઓ દર્શાવે છે કે મુસાફરોની સંખ્યા ઘટી રહી છે, જે સીધી અસર સતત થતા કેન્સલેશનનો પરિણામ છે.
શ્રમિકો, વેપારીઓ અને નોકરિયાતો અપ-ડાઉન માટે મુખ્યત્વે આ ડેમુ ટ્રેન પર નિર્ભર રહે છે. પરંતુ અઠવાડિયામાં એક-બે વખત ટ્રેન રદ થવાથી રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિક મુસાફરોનો આક્રોશ છે કે, મોરબીના ઔદ્યોગિક વિકાસને અનુરુપ રેલવે સેવાઓમાં સુધારો કરવાને બદલે સતત ટ્રેન રદ કરવી એ તંત્રની બેદરકારીનો દાખલો છે.