ખાસ-ખબર ન્યૂઝ રાજપરા
આજથી, એટલે કે સોમવાર, તા. 22/9/2025 થી, માતાજીની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થયો છે. સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવાતા આ તહેવાર પર ભક્તો દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા-અર્ચના કરી રહ્યા છે.
- Advertisement -
આજે નવરાત્રિના પ્રથમ દિવસે ભાવનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
નવરાત્રિ દરમિયાન દેવી શક્તિની ઉપાસના અને અનુષ્ઠાનનું વિશેષ મહત્વ હોય છે. આ નવ દિવસો દરમિયાન માતાજીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. શક્તિની આરાધના કરનાર ભક્તો માટે આ સમયગાળો અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. સામાન્ય દિવસોની સરખામણીમાં નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. ઘણા શ્રદ્ધાળુઓ નવ દિવસ સુધી ઉપવાસ રાખીને માતાજીની ભક્તિ કરે છે અને એકબીજાને શુભકામના પાઠવીને પર્વની ઉજવણી કરે છે.



