ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અમેરિકામાં અભ્યાસ: ખર્ચાળ સપનું અને તેની વાસ્તવિકતા
- Advertisement -
ગયા વર્ષે ભારતમાંથી લગભગ 3,00,000થી વધુ વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા હતા. અમેરિકાની યુનિવર્સિટીની ફી આમેય અમેરિકનોને ખૂબ મોંઘી લાગે છે. પરદેશીઓ માટે તો નાગરિકો માટે યા ગ્રીન કાર્ડ ધારકો માટે જે ટ્યુશન ફી લે છે એના કરતા ત્રણ ગણી વધારે ટ્યુશન ફી લે છે. અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો કઈ યુનિવર્સિટીમાં ભણવા જાઓ છો? એનું સ્ટાન્ડર્ડ કેવું છે? એ મુજબ 20થી 50 લાખ સુધી એક વર્ષની ટ્યુશન ફી આપવાની રહે છે. આ ઉપરાંત અમેરિકામાં રહેવાનો, ખાવાનો, પુસ્તકોનો અને પરચુરણ ખર્ચો પણ ખૂબ હોય છે. સ્વાભાવિક છે કે બધા જ વિદ્યાર્થીઓના માતપિતા પાસે આવા લાખો રૂપિયાનો બંદોબસ્ત ન હોય.
સ્ટુડન્ટ લોન અનેકવાર કોઈની ગેરંટી હોય તો તમે જો લોન ભરપાઈ કરી ન શકો તો જેઓ ગેરંટી આપે છે એમની પાસેથી વસૂલ કરવામાં આવે છે. એટલે કે એ વ્યક્તિ આગળ પણ પૂરતી પ્રોપર્ટી હોવી જોઈએ.
લાખ-બે લાખ રૂપિયા જેવી રકમ તમે જો ભણવામાં ખૂબ હોંશિયાર હોવ તો તમારી બેન્ક પણ આપે છે. અમેરિકાની અનેક યુનિવર્સિટીઓ ટ્યુશન ફી વેવર આપે છે. સમજો કે તમારી વાર્ષિક ટ્યુશન ફી 50 લાખ રૂપિયા હોય તો એ લોકો તમને અડધી માફી આપે છે. અમુક હોશિયાર વિદ્યાર્થીના કિસ્સામાં તેઓ પૂરેપુરી માફી પણ આપે છે.
- Advertisement -
અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો, પણ સ્ટુડન્ટ લોન આપે છે. અમેરિકાની બેન્કો અને અમેરિકાની ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશનો પણ પરદેશી વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ લોન આપે છે. પણ એમની પાસેથી સ્ટુડન્ટ લોન લેતા પહેલા ખૂબ તપાસ કરજો. કારણ કે એમના કાયદાઓ આપણા ભારતના કાયદાઓ કરતા જુદા હોય છે.
ખૂબ સસ્તા દરે કોઈ પણ જાતની ગેરેંટોર વગર, કોઈ પણ જાતની પ્રોપર્ટી મોર્ગેજ કર્યા સિવાય અમે તમને સ્ટુડન્ટ લોન આપશું એવી જાહેરખબરો આવતી હોય છે આનાથી તમારે ચેતતા રહેવું જોઈએ. કોઈ પણ સંસ્થા, કોઈ પણ કંપની લોન એમને એમ આપતી નથી. હા, જે લોકો દાન કરતા હોય છે એમની વાત જુદી છે. પણ એ તો દાન હોય છે લોન નથી હોતી. જેઓ સ્ટુડન્ટ લોન આપવાનો બિઝનેસ કરતા હોય છે તેઓ એમની લોન ઉપર વ્યાજ કેટલું મળી શકે? એ કેવી રીતે વસૂલ કરી શકાય? એની પૂરેપુરી કાળજી લેતા હોય છે.
જો તમે હોશિયાર વિદ્યાર્થી હશો, તમને અમેરિકાની ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીએ એમને ત્યાં પ્રવેશ આપ્યો હશે, તમારા માતપિતાની આવક સારી હશે, પ્રોપર્ટી સારી હશે તો તમને સ્ટુડન્ટ લોન મેળવવામાં સરળતા થઈ પડશે. પણ સ્ટુડન્ટ લોન લેવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. તમે જો અમેરિકામાં ભણવા જવાનો વિચાર કરતા હોવ, વર્ષ બે વર્ષ પછી તમે ત્યાં બેચલર્સ કે માસ્ટર્સનો કોર્સ કરવાના હોવ તો અત્યારથી જ ત્યાં ભણવાનો ખર્ચો, રહેવા-ખાવાનો ખર્ચો કેવી રીતે ભોગવી શકશો એ માટે પૈસા ક્યાંથી લાવશો? એની શોધખોળ કરી લો. સ્ટુડન્ટ લોન કોની આગળથી મળી શકે? કેવી રીતે મળી શકે? એ માટે કયા કયા દસ્તાવેજો આપવા જોઈએ? આ સઘળું જાણી લો.
માતપિતાની આવક -પ્રોપર્ટી સારી હશે તોે સ્ટુડન્ટ લૉન મેળવવામાં સરળતા થશે