થાનગઢ પંથકમાં મહિલાઓ માટે પ્રથમ વખત ગરબાનું આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
નવરાત્રિનો પર્વ ગુજરાતીઓ માટે ગર્વ અને આનંદનો તહેવાર માનવામાં આવે છે કારણ કે ગરબા ગુજરાતની સંસ્કૃતિ છે અને આ ગરબા હવે દેશ અને દુનિયામાં પ્રસિધ્ધ થયા છે. પરંતુ એક તરફ જ્યારે માતાજીના આરાધના માટે થતા ગરબા પાર્ટી પ્લોટમાં વિલીન થઈ રહ્યા છે ત્યારે હાલ સુરેન્દ્રનગર પંથકના થાનગઢના પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભાજપ અને પોલીસ પરિવાર દ્વારા આયોજિત મહિલા માટે ખાસ નવરાત્રિનું આયોજન કરાયું છે. જેમાં માત્ર મહિલાઓને જ ગરબા માટે અનુમતિ દેવામાં આવશે આ સાથે નવરાત્રિના ભવ્ય આયોજનમાં દરેક દિવસે જુદા જુદા નવ દિવસ સુધી ગાયક કલાકારો સાથે માતાઓ અને બહેનો ગરબે ઘૂમશે. થાનગઢ ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પરિવાર દ્વારા સૌ પ્રથમ વખત આયોજન કરેલ નવરાત્રિમાં માતાજીની ગરબી(મંડપ) શાસ્ત્રોવિધી પૂર્વક શરૂ કરી હતી. જ્યારે થાનગઢ ખાતે આયોજન કરેલ આ નવરાત્રિમાં દરેક મહિલાઓ સંસ્કૃતિ મુજબ ગીતો અને પહેરવેશમાં નજરે પડશે ત્યારે એક તરફ ગરબાનું મુખ્ય હેતુ વસ્ત્રો જે છે તેવામાં થાનગઢ ખાતે ભાજપ અને પોલીસ પરિવાર દ્વારા નવરાત્રીનું આયોજન કરી ગુજરાતના પૌરાણિક ગરબાની સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરાયો છે.