કામના કલાકો વધારવાથી સિલીકોસીસના કેસમાં વધારો થશે- મજૂરોના જીવન માટે મોટું જોખમ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ગુજરાત સરકારે તાજેતરમાં Factories (Gujarat Amendment) Bill 2025 પાસ કર્યો છે. આ સુધારા મુજબ જાહેરનામા દ્વારા મંજૂરી પામેલા ઉદ્યોગોમાં હવે દિવસના કામના કલાક 9ની જગ્યાએ 12 કલાક સુધી રાખી શકાશે. ઉદ્યોગોને ઉત્પાદન વધારવાની તક મળશે, પરંતુ મજૂરોના આરોગ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે.
મોરબી સહિતના વિસ્તારોમાં ટાઈલ્સ, સિરામિક અને પથ્થર ઉદ્યોગોમાં હજારો મજૂરો પહેલાથી જ સિલીકોસીસ જેવી જીવલેણ બીમારીનો ભોગ બની રહ્યા છે.
સીલીકોસીસ ફેફસાંને કઠોર બનાવી શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે છે અને અંતે મૃત્યુ તરફ દોરી જાય છે. ઘણી ફેક્ટરીઓમાં પૂરતી વેંટિલેશન સિસ્ટમ, ધૂળ ઘટાડવાના ઉપાય કે નિયમિત આરોગ્ય ચકાસણી નથી. આવી પરિસ્થિતિમાં લાંબી શિફ્ટો કરાવવી એટલે મજૂરોના જીવનને સીધા જોખમમાં મૂકવું. થાકેલા મજૂરોમાં અકસ્માતોની સંભાવના પણ વધી જાય છે, જેના કારણે માનવીય નુકસાન સાથેસાથે ફેક્ટરી સંપત્તિનું નુકસાન થવાની પણ શક્યતા છે.કાયદા મુજબ 12 કલાકની ડ્યુટી માટે કામદારની લેખિત સંમતિ લેવી જરૂરી છે. પરંતુ હકીકતમાં માલિકો માટે આ માત્ર ઔપચારિકતા છે. સંમતિ ન લેવાય તો પણ તેમને સજા થવાની સંભાવના ઓછી હોવાથી મજૂરોનું શોષણ વધુ તીવ્ર બનશે તેવી દહેશત છે.
આ માત્ર કામના કલાકોનો મુદ્દો નથી – આ મજૂરોના જીવ અને ભવિષ્યનો પ્રશ્ન છે. જો તાત્કાલિક કડક નિયમો અમલમાં ન મુકાય તો મોરબી સહિતના ઉદ્યોગ વિસ્તારોમાં સિલીકોસીસનું આરોગ્ય સંકટ વિસ્ફોટી સ્વરૂપ ધારણ કરી શકે છે. સરકાર, ઉદ્યોગપતિઓ અને સમાજ – ત્રણેને મળીને મજૂરોના આરોગ્ય અને જીવનને પ્રથમ પ્રાથમિકતા આપવી જ પડશે.
12 કલાકની શિફ્ટો લાગુ થશે તો
મજૂરો રોજે 50% વધારે સીલીકા ધૂળના સંપર્કમાં આવશે.
બીમારી વહેલી અને ગંભીર રૂપે ફાટી નીકળશે.
યુવા મજૂરોમાં પણ મોત અને અશક્તતાના કેસ વધી જશે.
પરિવાર પર આર્થિક સંકટ ઊભું થશે.
ઉદ્યોગોમાં કુશળ મજૂરોની અછત ઊભી થશે.
સુરક્ષા સુવિધાઓનો અભાવ