ચેન્નઇ 11મી વખત પ્લે ઓફમાં પ્રવેશ્યું
ધોનીએ સિક્સ ફટકારી મેચ જીતાડી હેઝલવૂડ મેન ઓફ ધ મેચ
ખાસ-ખબર સંવાદદાતા
ધીમી પિચ ઉપર બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગ બાદ ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે નોંધાવેલી આક્રમક ભાગીદારીની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે અહીં રમાયેલી આઇપીએલ ટી20 લીગની 44મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઇએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદની ટીમ સાત વિકેટે 134 રન નોંધાવી શકી હતી. તેના જવાબમાં ચેન્નઇની ટીમ 19.4 ઓવરમાં ચાર વિકેટે 139 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. આ સાથે ચેન્નઇની ટીમ 11 મેચમાં 18 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ બની ગઇ હતી. બીજી તરફ હૈદરાબાદ સત્તાવાર રીતે આઇપીએલમાંથી બહાર થઇ ગઇ હતી. ડુ પ્લેસિસે આઇપીએલમાં ચેન્નઇ માટે 2500 રન પૂરા કર્યા હતા. ડુ પ્લેસિસ 41 રન બનાવીને આઉટ થયો હતો. હોલ્ડરે 27 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
- Advertisement -
રનચેઝ કરનાર ચેન્નઇ માટે ઋતુરાજ અને ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 75 રનની ભાગીદારી નોંધાવી હતી. ઋતુરાજ 38 બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 45 રન બનાવીને આઉટ થયો હતો. આ અગાઉ હૈદરાબાદની ઇનિંગમાં મુખ્ય યોગદાન ઓપનર રિદ્ધિમાન સાહાના 46 બોલમાં 44 રનનું રહ્યું હતું. ચેન્નઇ માટે હેઝલવૂડે 24 રનમાં ત્રણ તથા બ્રાવોએ 17 રનમાં બે વિકેટ ખેરવી હતી.