નેપાળમાં થયેલા પ્રદર્શનોમાં જીવ ગુમાવનારા યુવાનોના પરિવારોએ, વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીના સરકારી નિવાસસ્થાન બહાર મોડી રાત્રે સૂત્રોચ્ચાર કર્યા. સવારથી કાર્કીને મળવા માટે રાહ જોયા બાદ, તેમની ધીરજ ખૂટી ગઈ અને તેમણે સૂત્રોચ્ચાર કરવાનું શરુ કર્યું. આ પ્રદર્શનકારીઓ સુશીલા કાર્કીના ઘર બહાર ધરણા પર પણ બેસી ગયા, જેના કારણે પોલીસ સુરક્ષા વધારવામાં આવી.
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનોનાં કારણે રાજકીય ઉથલપાથલ
- Advertisement -
નેપાળમાં થયેલા આ હિંસક પ્રદર્શનોમાં કુલ 51 લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં 21 પ્રદર્શનકારીઓ હતા. આ ઘટનામાં 1300થી વધુ લોકો ઘાયલ થયા. તેમજ હિંસા દરમિયાન 13,000થી વધુ કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા. પ્રદર્શનકારીઓએ ભારે તોડફોડ કરી હતી અને સંસદ ભવન તેમજ સુપ્રીમ કોર્ટમાં આગ લગાવી દીધી હતી. Gen-Z દ્વારા થયેલા આ વિરોધને કારણે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીને રાજીનામું આપવું પડ્યું.
આ ઘટના બાદ નેપાળની કમાન 73 વર્ષીય સુશીલા કાર્કીને સોંપવામાં આવી. Gen-Zનો ટેકો મળતા જ, તેમણે સત્તામાં આવતાની સાથે જ તાત્કાલિક પગલાં લીધા. તેમણે પૂર્વ વડાપ્રધાન કેપી ઓલી વિરુદ્ધ 8 સપ્ટેમ્બરના પોલીસ દમન મામલે એફઆઈઆર દાખલ કરાવી. આ ઉપરાંત તેમણે શનિવારે આખો દિવસ Gen-Zના પ્રતિનિધિઓ અને અન્ય રાજકીય તેમજ સામાજિક જૂથો સાથે ચર્ચા-વિચારણા પણ કરી.
સુશીલા કાર્કીનું નવું કેબિનેટ: મહત્ત્વપૂર્ણ નામો અને સંભવિત મંત્રીપદ
- Advertisement -
સુશીલા કાર્કીએ પોતાના કેબિનેટ માટે ઘણા મહત્ત્વના નામોને અંતિમ સ્વરૂપ આપ્યું છે અને તે નામો રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલી આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌથી મુખ્ય નામ કુલમાન ઘિસિંગનું છે, જે નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA)ના ભૂતપૂર્વ ચીફ છે. તેમને ઊર્જા મંત્રાલયનો હવાલો મળી શકે છે, કારણ કે તેઓ નેપાળના પાવર સેક્ટરમાં સુધારા લાવવા માટે જાણીતા છે. આ ઉપરાંત, ઓમપ્રકાશ આર્યલને ગૃહમંત્રી, રામેશ્વર ખનાલને નાણામંત્રી અને બાલાનંદ શર્માને રક્ષામંત્રી તરીકે નિયુક્ત થવાની શક્યતા છે.