ખિજડિયા ચોકડીથી સ્મશાન સુધીનો માર્ગ બિસમાર, રોગચાળો ફેલાવવાનો ભય
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
ટંકારા શહેરમાં ખિજડિયા ચોકડીથી ખાડિયા વિસ્તાર થઈને સ્મશાન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બિસમાર હાલતમાં છે, જેને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠેર-ઠેર ખાડા અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરીને ટંકારા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ત્રિવેદીએ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવા અને સફાઈ કરવા માટે તંત્રને રજૂઆત કરી છે.
આ માર્ગ છેલ્લા ઘણા સમયથી તૂટીને ભૂકો થઈ ગયો છે, જેથી ડામરના અવશેષો પણ જોવા મળતા નથી. આ ’મગરની ખાલ’ જેવા રોડ પર મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા તે તળાવમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે શાળાએ જતા બાળકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે અને અકસ્માતનો ભય રહે છે.
આ ઉપરાંત, માર્ગ પર કાદવ અને કચરાના ઢગલા ખડકાઈ જવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. પરિણામે, મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે આખો રહેણાંક વિસ્તાર રોગચાળાની લપેટમાં આવી શકે છે.
- Advertisement -
મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીએ તંત્રને રજૂઆત કરતા જણાવ્યું છે કે, જો તાત્કાલિક આ રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો સમગ્ર શહેર ગંભીર રોગચાળાનો ભોગ બની શકે છે. તેમણે રોડ રિપેર કરવા ઉપરાંત, કચરાનો નિકાલ કરવા અને રોગજન્ય જીવાતને દૂર કરવા માટે દવા છાંટવાની પણ માંગણી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ખાડિયા વિસ્તાર રોગચાળાનું એપિસેન્ટર બની જશે.