15 દિવસમાં ઢોર હટાવવામાં નહીં આવે તો મિલકત જપ્તી કરી ઢોર હટાવશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા હાઇવે અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરને દૂર કરવા માટે હુકમ કર્યો હતો જેમાં રખડતા ઢોરના ત્રાસ માટે પરોક્ષ રીતે જવાબદાર નગરપાલિકાને ઠેરવી છે આ હુકમમાં પ્રાંત અધિકારી દ્વારા આવતા પંદર જ દિવસમાં રખડતા ઢોરને દૂર કરવા આદેશ આપ્યો હતો અને જો પાલિકા આ કાર્યમાં સફળ નહીં રહે તો પ્રાંત અધિકારી પોતે એજન્સી મારફતે ઢોર હટાવવાની કામગીરી કરી નગરપાલિકાની મિલકતની જપ્તી કરી તેનો ખર્ચ વસૂલ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો જેથી આ હુકમ અંગે ચોટીલા પ્રાંત અધિકારી અને નગરપાલિકા સામસામે હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું જ્યારે પ્રાંત અધિકારી દ્વારા આ ઢોર હટાવવાની કામગીરીને લઈ જીવદયા પ્રેમીઓમાં પણ આંતરિક રોષ નજરે પડ્યો હતો જેમાં જીવદયા પ્રેમી દ્વારા જણાવ્યું હતું કે ચોટીલા પ્રાંત અધિકારી જે પ્રકારે ગૌમાતા અને ગૌવંશને રખડતા ઢોર તરીકે ગણાવ્યા છે તેને હટાવવાની કામગીરી બાદમાં કરવી જોઈએ તેના પહેલા ચોટીલા પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં જેટલી પણ ગૌચર જમીનો છે તેના પરના ગેરકાયદેસર કબજા હટાવવાની કામગીરી કરે તો આપોઆપ ગૌવંશ હાઈવે પર નજરે નહીં પડે ! જેથી ગૌવંશ હાઈવે પર રહેતા હોવાનું મુખ્ય કારણ કેટલાક ઇસમો દ્વારા ગૌચર જમીનો પર દબાણ કર્યું હોવાથી પશુ માટેની જમીનો રાજકીય આખલા ચરી ગયા હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે પ્રાંત અધિકારી દ્વારા રખડતા પશુ હટાવવાના આદેશ મામલે વધુ એક વખત નવો વિવાદ જાગ્યો છે.