છેલ્લા 8 મહિનામાં 75 જહાજો અલંગ આવ્યા, ગત વર્ષોની સરખામણીએ સંખ્યા વધી હોવા છતાં ઉદ્યોગમાં સ્થિરતા
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ગણાતું અલંગ હાલ મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જેની સીધી અસર ભાવનગર જિલ્લાના અર્થતંત્ર પર પડી રહી છે. શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં હાલ સ્થિરતા જોવા મળી રહી છે, જોકે ગયા વર્ષોની સરખામણીએ જહાજોની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં અલંગમાં આવતા જહાજોની સંખ્યામાં ધીમે ધીમે વૃદ્ધિ થઈ છે. જુલાઈ મહિનામાં 12 અને ઓગસ્ટમાં 11 જહાજો અલંગના કાંઠે બીચ થયા હતા. છેલ્લા બે-ત્રણ મહિનાથી ઉદ્યોગમાં સ્થિરતાનો માહોલ છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 સુધીના 8 મહિનામાં કુલ 75 જહાજો અહીં આવ્યા છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના ઓગસ્ટ મહિનાની સરખામણીએ આ વર્ષનો ઓગસ્ટ મહિનો સારો રહ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં ઓગસ્ટ મહિનામાં માત્ર 3, 2023-24માં 7 અને 2024-25માં 10 જહાજો આવ્યા હતા, જ્યારે આ વર્ષે ઓગસ્ટમાં 11 જહાજોએ અલંગની અંતિમ સફર ખેડી હતી. હાલ અલંગના 131 પ્લોટ પૈકી 25થી 30 પ્લોટમાં જ કામગીરી ચાલી રહી છે. શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે 21 અને 22 ઓગસ્ટે ભાવનગરમાં ભારત અને નોર્વેની સંયુક્ત વર્કશોપનું આયોજન થયું હતું. જેમાં બંને દેશો વચ્ચે ટેકનોલોજીના આદાન-પ્રદાન, વર્કર્સની સલામતી જેવા મુદ્દે ચર્ચા થઈ હતી. નોર્વેના પ્રતિનિધિ મંડળે અલંગની મુલાકાત પણ લીધી હતી. આ વર્કશોપ બાદ અલંગ ઉદ્યોગમાં ફરી તેજી આવવાની આશા વ્યક્ત થઈ રહી છે.