માધાપરવાડી શાળામાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધો સંકલ્પ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારતની 5 લાખથી વધુ શાળાઓ સાથે રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા – આપણું સ્વાભિમાન સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને શાળાને તીર્થભૂમિ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો નથી પરંતુ શાળા જીવનને ગુણવત્તાસભર, શિસ્તબદ્ધ, સ્વચ્છ, હરિયાળું અને પ્રેરણાદાયી બનાવવા માટેનું જીવંત દસ્તાવેજ છે. શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ ગણાવી તેનું રક્ષણ કરવાનો નિશ્ચય તથા સમભાવથી શીખવા-શીખવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષકને માત્ર જ્ઞાનના સ્ત્રોત તરીકે નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણ અને સમાજ સેવાના પ્રેરક તરીકે માન્યતા આપવી અને શાળાને સંસ્કાર તથા સમર્પણનું તીર્થ બનાવવા એ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ અભિયાન રાષ્ટ્ર નિર્માણના સાચા આધાર શિક્ષણને મજબૂત બનાવવા માટે પ્રેરણાદાયી પગલું સાબિત થશે.
- Advertisement -
માધાપરવાડી કુમાર અને ક્ધયા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં આશરે 800 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગેCET, CGMS, NMMS અને PSE પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અપાયેલ પ્રમાણપત્રો પણ શાળાના શિક્ષકોને અર્પણ કરવામાં આવ્યા હતા.
બ્રિજેશભાઈ મેરજાએ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કરતા તેમને શૈક્ષણિક સાથે સાથે રાષ્ટ્રીય અને સામાજિક જવાબદારી માટે પ્રેરિત કર્યા હતા.