પોલીસ અને ટ્રાફિક વિભાગની નજરમાંથી ઘટના રહી બહાર – અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે?
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
વાંકાનેર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ડમ્પર ચાલકે વાહનની કેબીન પર ત્રણ મહિલા સહિત છ લોકોને બેસાડીને શહેરમાં ફરાવ્યો હતો. આ જોખમી મુસાફરીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
- Advertisement -
ડમ્પરમાં માલ ભરેલો હોવા છતાં ચાલકે કેબીન પર લોકોને બેસાડ્યા હતા. શહેરની મધ્યમાંથી પસાર થતા આ ડમ્પરને રોકવા માટે સ્થાનિક પોલીસ કે ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી જોવા મળી નથી. હાઈવે ટ્રાફિક પોલીસ પણ આ વાહન રોકવામાં નિષ્ફળ ગઈ હતી.
આ ઘટના શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ નથી. પરિણામે પ્રશ્ન એ ઊભો થયો છે કે આવી બેદરકારીને કારણે જો અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણે લેશે? ગુજરાતમાં વારંવાર વાહનચાલકો અને મુસાફરોની બેદરકારીના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે. આવા બનાવોને રોકવા ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી જોખમી મુસાફરીઓને અટકાવી શકાય.