વેરાવળ ખાતે ત્રિદિવસીય રમતોત્સવના અંતિમ દિવસે સાઈકલ રેલી યોજાઈ
કલેક્ટર, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ સાઈકલ ચલાવી ’ફિટ ઈન્ડિયા’નો સંદેશ આપ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી નિમિતે ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમતોત્સવ અંતર્ગત નાગરિકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવના અંતિમ દિવસે વેરાવળ ખાતે ‘સન્ડે ઓન સાઈકલ’ અંતર્ગત અંદાજિત પાંચ કિલોમીટર લાંબી સાઈકલ રેલી યોજાઈ હતી. જેમાં 1200થી વધુ સાઈકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. “હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન”ની થીમ સાથે યોજાયેલા રમતોત્સવના અંતિમ દિવસે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે સંસ્કૃત યુનિવર્સિટી ખાતેથી સાઈકલ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને તમામ મહાનુભાવોએ રેલીમાં સાઈકલ ચલાવી ’ફિટ ઈન્ડિયા’નો સંદેશ આપ્યો હતો.
જિલ્લાકક્ષાની સાઈકલ રેલીમાં અંદાજિત 1200થી વધુ સાઈકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં નાગરિકો, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ ઉત્સાહપૂર્વક જોડાયાં હતાં. એમ કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. આ રેલી સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતેથી પ્રસ્થાન કરી અને સરકારી હોસ્પિટલ થી કે.કે.મોરી- બજાજ શો-રૂમ થઈ બસસ્ટેન્ડથી ટાવર ચોક થઈ અને પરત સંસ્કૃત યુનિવર્સિટી ફરી હતી. સાઈકલ રેલીમાં ‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’, ‘ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોઝ’ સહિતના બેનર્સના માધ્યમથી શારીરિક તંદુરસ્તીનો સંદેશો આપવામાં આવ્યો હતો.