સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લાગેલું ગ્રહણ ટળતું નથી, એકપણ ઢંગનો વાઈસ ચાન્સેલર મળતો જ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી અને બીએમઓ દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિના અમલમાં નિયમોનો ઉલાળીયો કરી પાંચ ભવનમાં અધ્યક્ષ તરીકે લાગતાવળગતાઓને ઘૂસાડી દેવામાં આવ્યા છે. ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિમાં જ ગેરરીતિ આચરી સિનિયર પ્રોફેસરની જગ્યાએ જૂનિયર પ્રોફેસરની નિમણૂંક કરવામાં આવતા મનોવિજ્ઞાન ભવનમાં ડો. તરલીકા ઝાલાવાડીયા, એમબીએ ભવનમાં ડો. હિતેશ શુક્લા, હોમસાયન્સ ભવનમાં ડો. હસમુખ જોશી, હિન્દી ભવનમાં ડો. શૈલેષ મહેતા અને કમ્પ્યુટર સાયન્સ ભવનમાં ડો. અતુલ ગોસાઈ નવા અઘ્યક્ષ બની ગયા છે. આ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા કેટલીક ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે.
કુલપતિએ નિયમની ઐસીતૈસી કરી મિત્રનાં પત્નીને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ બનાવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ જગતમાં હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં થયેલી ગોબાચાળી અંગે કંઈ કેટલીયે ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક ચર્ચા મુજબ કુલપતિ ઉત્પલ જોશીએ નીતિ-નિયમની ઐસીતૈસી કરી મિત્રની પત્નીને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ બનાવી દીધા છે. કુલપતિ ઉત્પલ જોશી સાથે ફિઝિક્સના અભ્યાસમાં રૈયાણી સાથે હતા. બંને મિત્રો છે. રૈયાણીના પત્ની ડો. તરલીકા ઝાલાવાડિયા હાલ પ્રોબેશન પર છે. આમ છતાં મિત્રતા માટે કુલપતિ ઉત્પલ જોશી દ્વારા ડો. તરલીકા ઝાલાવાડિયાને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ બનાવવા નીતિ-નિયમો નેવે મૂકી મોસ્ટ સિનિયર પ્રોફેસર જાહેર કરી ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેવામાં આવ્યા છે એવી ચર્ચાઓ ચાલી રહી છે.
કમિટિનાં મેમ્બર-જુનિયર પ્રોફેસર હિતેશ શુક્લએ સ્વયં પોતાને જ H.O.D.તરીકે પસંદ કર્યાં
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી તમામ ગેરરીતિ માટે વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશી જ જવાબદાર
સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા શંકાસ્પદ રીતે માત્ર પાંચ જ ભવનમાં હેડશિપ બાય રોટેશન નીતિનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં સિનીયોરિટી લિસ્ટ બનાવ્યા કે બહાર પાડ્યા વિના પાંચેય ભવનના સિનિયર પ્રોફેસર સાથે અન્યાય કરી જૂનિયર પ્રોફેસરને ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેવામાં આવ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગવર્નમેન્ટ ગેજેટમાં પ્રસિદ્ધ 31/07/2024ના સ્ટેચ્યૂટના પાના નંબર 201/12માં સિનિયરિટી ક્રાઈટેરિયા આપેલા છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પાંચ ભવનના અધ્યક્ષની નિમણૂંકમાં ગેરરીતિ આચરવામાં આવી છે. સ્ટેચ્યૂટમાં 163 નંબરનો નિયમ છે – ‘વરિષ્ઠતા માપદંડ’ જેમાં તમામ બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અન્ય યુનિવર્સિટીમાં જે પ્રકારે હેડશિપ બાય રોટેશન નીતિનો અમલ કરવામાં આવ્યો તે પ્રકારે કરવામાં આવ્યો નથી ઉપરાંત પાંચ ભવનના અધ્યક્ષની નિમણૂંક કરતો સંયુક્ત નિમણૂંક પત્ર પણ બહાર પાડ્યો નથી. એવું કહેવાઈ છે કે, પાંચ ભવનમાં હેડશિપ બાય રોટેશન નીતિના અમલ માટે એક કમિટી બનાવવામાં આવી હતી. એ કમિટીના સભ્યો પણ જૂનિયર પ્રોફેસર અર્થાત સેકેન્ડ સિનિયર હતા. જેમ કે શૈલેષ પરમાર, મુખર્જી, હિતેશ શુક્લ વગેરે વગેરે. આ કમિટીએ સિનિયર પ્રોફેસરને અન્યાય થાય તેવો પૂર્વગ્રહયુક્ત અહેવાલ બનાવ્યો અને એ અહેવાલને આધારે કુલપતિ ઉત્પલ જોશીએ બીએમઓ સાથે મળી કેટલાક લાગતાવળગતાઓને ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દીધા. આશ્ર્ચર્યજનક બાબત એ પણ છે કે, હેડશિપ બાય રોટેશન નીતિના અમલ માટે બનેલી કમિટીના મેમ્બર જેઓને જૂનિયર પ્રોફેસર કહી શકાય એવા હિતેશ શુક્લ ખુદ ભવનના અધ્યક્ષ બની ગયા! નોંધનીય છે કે, કોઇપણ એક્ટ આવ્યા બાદ સરકાર ગેજેટમાં સ્ટેચ્યૂટ પ્રસિદ્ધ કરે છે અને આ સ્ટેચ્યૂટને આધારે ઓર્ડિનન્સ ઘડવાના હોય છે. તેમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે, એક્ટ અને સ્ટેચ્યૂટનો ભંગ થવો જોઈએ નહીં. જોકે લાગતાવળગતાઓને અધ્યક્ષ બનાવવા હોય તો નીતિ-નિયમોનો ભંગ અનિવાર્ય બની જાય છે અને એટલે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ઓર્ડિનન્સ બનાવ્યા પહેલા અથવા કમિટીએ સ્ટેચ્યૂટનો ભંગ કરીને નિયમો બનાવ્યા. ખરેખર તો જાણકારોના જણાવ્યા અનુસાર કમિટીનો રિપોર્ટ સ્વીકારતા પહેલા સ્ટેચ્યૂટ અને એક્ટનો ભંગ નથી થતો તે તપાસવાનું હોય છે પરંતુ અહીં કુલપતિ ઉત્પલ જોશી કે બીએમઓએ કશી જ ખરાઈ કર્યા વિના પાંચ ભવનમાં અધ્યક્ષ તરીકે માનીતાઓને ઘૂસાડવા તમામ નીતિ-નિયમો ઘોળીને ગટગટાવી ગયા છે જેની વધુ વિસ્તૃત વિગતો હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
દ.ગુજરાત, ભાવનગર અને જૂનાગઢની યુનિવર્સિટી કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રૂલ્સ-રેગ્યુલેશન અલગ છે!
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટી કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશન નીતિનો અલગ પ્રકારે અમલ કરવામાં આવ્યો હોવાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. હેડશિપ બાય રોટેશન નીતિના અમલ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ્યારથી અમલવારી કરી ત્યારથી જે સિનિયર હતા / હેડ હતા તેઓને પાંચ વર્ષ ફરી હેડ બનાવ્યા છે. ભાવનગર યુનિવર્સિટીએ જેઓ મોસ્ટ સિનિયર હતા તેઓને હેડ બનાવ્યા છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીએ પણ નવા સ્ટેચ્યૂટ મુજબ જેઓ મોસ્ટ સિનિયર હતા તેઓને હેડ બનાવ્યા છે પરંતુ એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બધાથી અલગ જ રૂલ્સ-રેગ્યુલેશન મુજબ લાગતાવળગતા જૂનિયર પ્રોફેસરને પણ મોસ્ટ સિનિયર ગણાવી હેડ બનાવી દીધા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માનીતાઓને અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા અને અણગમતાઓને અધ્યક્ષમાંથી હટાવવા માટે નિયમોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.