મેયર, ડેપ્યુટી મેયર, CP, ROT સહિત અધિકારીઓને સુપ્રીમ કોર્ટેના ચુકાદાનું પાલન ન કરવા બદલ ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદાનો ભંગ કરી પોતાને ફાળવાયેલી સરકારી કારમાં હૂટર લગાવવાના મુદ્દે ભારે ઊહાપોહ થયા બાદ પણ જીદે ચડેલા પદાધિકારીઓ તે દૂર કરવા તૈયાર થતા નથી.
- Advertisement -
આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાં તેનું પાલન પણ પદાધિકારીઓ કરતા ન હોય કોંગ્રેસના બે આગેવાને મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપરાંત કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે તેવા પોલીસ કમિશનર અને આરટીઓને પણ નોટિસ ફટકારી છે અને કાયદાનું પાલન કરવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે લાલબત્તી અને મલ્ટિટોન હોર્ન બાબતે સુપ્રીમ કોર્ટના આદેશનો ઇરાદાપૂર્વક અનાદર કરવા બદલ પદાધિકારીઓ અને અધિકારીઓને મળી કુલ 14 લોકોને લીગલ નોટિસ ફટકારી છે અને તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન નહીં કરે તો કાનૂની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિગતો ટાંકીને જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ઉપરોક્ત ચુકાદાછતાં, તમે તમારા વાહન પર મલ્ટિટોન હોર્નનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે. તમારા સંબોધક તરફથી આ કૃત્ય સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો ઇરાદાપૂર્વકનો અનાદર સિવાય બીજું કંઈ નથી. મારી પાસે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર કરવા સંબંધિત કાનૂની કાર્યવાહી સહિત, સરનામા સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને તમારા સરનામા સામે દંડ લાદવા સહિત દંડાત્મક પગલાં લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વધુમાં જણાવ્યું છે કે, આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પોલીસ અધિકારીઓ અને અન્ય સત્તાવાળાઓ સહિત તમામ અધિકારીઓને કોઈપણ ભય વિના તેમની ફરજ બજાવવાનો આદેશ આપ્યો છે. એવું લાગે છે કે પોલીસ સત્તાવાળાઓ તેમની ફરજો નિર્ભયતાથી નિભાવી રહ્યા નથી અને અન્ય લોકોને પણ તેમના વાહન પર મલ્ટિટોન હોર્નનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહ્યા છે, તમને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું કડક પાલન કરીને સરનામાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ
કર્યો છે.
નોટિસ કોને અપાઈ?
નોટિસમાં મુખ્યત્વે શહેરના પોલીસ કમિશનર, આરટીઓ, મ્યુનિસિપલ કમિશનર, 3 ડેપ્યુટી કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ અને ફાયર સમિતિના ચેરમેનનો સમાવેશ થાય છે.
નોટિસમાં શું જણાવ્યું છે?
- Advertisement -
પદાધિકારીઓના વાહન પર મલ્ટિટોન હોર્ન અને લાલબત્તી લગાવવાનું કાયદા વિરુદ્ધ છે.
આ કૃત્ય સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઇરાદાપૂર્વક અનાદર ગણાવવામાં આવ્યું છે.
જો અધિકારીઓ કાયદાનું પાલન નહીં કરે તો તેમની સામે દંડ અને કાનૂની કાર્યવાહી થશે.
સુપ્રીમ કોર્ટે પોલીસ અને અન્ય સત્તાધિકારીઓને નિર્ભયતાથી ફરજ બજાવવા આદેશ આપ્યો છે, જેનું પાલન ન થઈ રહ્યું હોવાને કારણે કાર્યવાહી જરૂરી ઠેરવી છે.