મંત્રી ભાનુબેન બાબરીયાની રજૂઆતથી ખોખડદડ-લોઠડા ગામમાં સી.સી. રોડ, ગટરકામ અને પેવર બ્લોકનું કામ શરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ હાલતમાં આવેલા રસ્તાઓના નવિનીકરણ માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સ્થાનિક પ્રજાજનો અને લોક પ્રતિનિધિઓની રજૂઆતને અનુસરીને મંત્રી ભાનુબેન બાબરીયાએ આ મુદ્દો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં મુક્યો હતો. મુખ્યમંત્રીએ સર્વગ્રાહી વિકાસની દ્રષ્ટિ સાથે ખોખડદડ અને લોઠડા ગામના ગામતળમાં સી.સી. રોડ, ગટરકામ તથા પેવર બ્લોકના કામ માટે અંદાજે 1.80 કિ.મી. લાંબા રોડના નવિનીકરણ માટે રૂ. 6 કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપી છે. આ મંજુરીથી માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, પરંતુ ઔદ્યોગિક તેમજ ગ્રામ વિકાસને પણ વેગ મળશે. રાજકોટને જોડતા આ માર્ગોના વિકાસથી આસપાસના ગામડાઓને પણ સીધો લાભ થશે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓનો સ્તર વધશે અને પ્રજાજનોની લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો અંત આવશે. મંજુરી મળતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. મંત્રી ભાનુબેન બાબરીયાએ તમામ ગ્રામજનો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.



