CBFC દ્વારા યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં વિલંબ, બોમ્બે હાઈકોર્ટ કરશે સમીક્ષા
આ ફિલ્મ, જેને “ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર” પુસ્તકથી પ્રેરિત કાલ્પનિક વાર્તા તરીકે વર્ણવવામાં આવી છે, તે મૂળ 1 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી
- Advertisement -
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર બનેલી ફિલ્મની રિલીઝનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. ફિલ્મ નિર્માતાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે, ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) જાણી જોઈને ફિલ્મને સર્ટિફિકટ આપવામાં વિલંબ કરી રહ્યું છે.’ આ મામલે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ આદેશ જાહેર કરતા પહેલા જજ પોતે આ ફિલ્મ જોશે. આ ફિલ્મનું નામ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ છે અને 25 ઓગસ્ટે આ મામલે ફરી સુનાવણી થશે.
ફિલ્મ શાંતનુ ગુપ્તાની પુસ્તક ‘ધ મૉન્ક વુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત
આ ફિલ્મને સમ્રાટ સિનેમેટિક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ શાંતનુ ગુપ્તાની પુસ્તક ‘ધ મૉન્ક વુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત છે. સીએમ યોગીના કાર્યાલયને પણ આ ફિલ્મ સામે કોઈ વાંધો નથી. પ્રોડ્યુસરે અરજીમાં જણાવ્યું કે આ ફિલ્મનો હેતુ માત્ર એક રાજનેતાનું જીવન દર્શાવવાનો નથી, પરંતુ યુવાનોને એકતા અને અખંડિતતા માટે પ્રેરણા આપવાનો પણ છે.
- Advertisement -
પ્રોડ્યુસરના આક્ષેપો શું છે?
પ્રોડ્યુસરનું કહેવું છે કે આ વર્ષે 5 જૂનના રોજ સર્ટિફિકેશન માટે અરજી કરવામાં આવી હતી. CBFCને સાત દિવસની અંદર અરજીઓની ચકાસણી કરવાની હોય છે અને ત્યારબાદ 15 દિવસની અંદર ફિલ્મનું સ્ક્રીનિંગ કરવાનું હોય છે. જોકે, એક મહિનો વીતી ગયા પછી પણ CBFCએ કોઈ કાર્યવાહી કરી નહિ. આ પછી અરજદારે ‘પ્રાયોરિટી સ્કીમ’ હેઠળ ફરીથી અરજી કરી. CBFCએ 7 જુલાઈએ સ્ક્રીનિંગની તારીખ નક્કી કરી હતી, પરંતુ તે તારીખ પણ રદ કરવામાં આવી.
CBFCના વલણ સામે હાઈકોર્ટમાં અરજી
અરજદારે કહ્યું કે, CBFC તરફથી કોઈ જવાબ ન મળતા અમારે હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો. અરજદારનો દાવો છે કે સેન્સર બોર્ડ કોઈ કારણ આપ્યા વિના ફિલ્મના ટીઝર, ટ્રેલર અને પ્રમોશનલ ગીતોની રજૂઆતમાં પણ વિલંબ કરી રહ્યું છે. બોર્ડે હાઈકોર્ટને કહ્યું છે કે, તેઓ બે દિવસમાં પ્રોડ્યુસરની અરજી પર નિર્ણય લેશે. આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલા 1 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી.
CBFC દ્વારા અરજી રદ થતા નિર્માતા કોર્ટમાં, ફિલ્મનાં ટાઇટલ પર પણ વાંધો
21 જુલાઈના રોજ CBFCએ ફિલ્મ નિર્માતાને જણાવ્યું કે તેમની અરજી રદ કરી દેવામાં આવી છે. ત્યારબાદ અરજદાર ફરી કોર્ટ પહોંચ્યા. કોર્ટે CBFCને કહ્યું કે, ફિલ્મમાં શું વાંધાજનક છે તે જણાવવું જોઈએ, જેથી તે કન્ટેન્ટને ફિલ્મમાંથી હટાવી શકાય. CBFCએ પહેલા 29 વાંધા જણાવ્યા હતા, જેમાંથી 8 હટાવી દેવામાં આવ્યા. બોર્ડે ફિલ્મના ટાઇટલ પર પણ વાંધો ઉઠાવ્યો છે. ગુરુવારે CBFCએ કહ્યું કે આ મામલે રિટ પિટિશન યોગ્ય નથી અને ફિલ્મ નિર્માતા સિનેમેટોગ્રાફી એક્ટ હેઠળ રિવિઝન કમિટીના આદેશને પડકારી શકે છે. જ્યારે પ્રોડ્યુસરનું કહેવું છે કે રિવિઝન કમિટી તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.