DCP પ્રદિપસિંહ જાડેજા હાલ અમદાવાદના ઝોન 6 ડીસીપી તરીકે કાર્યરત છે
ભાવનગર ડબલ મર્ડર કેસમાં ગૃહમંત્રી દ્વારા વિશેષ સન્માન સાથે ડીસીપી જાડેજાને મેડલ એનાયત
કોર્ટે ભાવનગરમાં મિત્ર પર જીવલેણ હુમલા કેસમાં આરોપીને પાંચ વર્ષની જેલ ફટકારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
ડીસીપી પ્રદિપસિંહ જાડેજા હાલ અમદાવાદના ઝોન 6 ડીસીપી તરીકે કાર્યરત છે. પ્રદિપસિંહ જાડેજાએ પોતાની ફરજ દરમિયાન અનેક ગુનાહિત ઘટનાઓ ઉકેલી ગુનેગારોને સજા અપાવી છે. જેમાં સૌથી ચર્ચીત ડબલ મર્ડર, પાલિતાણા મર્ડર, સરકારી હાટ મર્ડર, વિઠ્ઠલવાડી ખૂનની કોશિશ અને લૂંટ કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગર ડબલ મર્ડર કેસમાં ગૃહમંત્રી દ્વારા વિશેષ સન્માન સાથે ડીસીપી જાડેજાને મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તેમજ 15 વર્ષ પૂર્વે ભાવનગરના નિર્મલનગરના માધવ રત્ન બિલ્ડીંગના પાર્કિંગમાં મિત્ર પર જીવલેણ હુમલા કેસમાં 12 ઓગસ્ટે કોર્ટે આરોપીને પાંચ વર્ષની જેલ ફટકારી છે. આ ચુકાદો તેમની કામગીરીમાં વધુ એક સફળતા ઉમેરે છે.
ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં 15 વર્ષ પહેલાં થયેલા એક જીવલેણ હુમલાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજે આરોપી મિત્રને પાંચ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. ઘટના 19 જુલાઈ, 2010ના રોજ બની હતી, જ્યારે નિર્મળનગરના માધવસ્ત બિલ્ડિંગના પાર્કિંગમાં હીરા વેપારી કલ્પેશભાઈ ઘોરી પર તેમના મિત્ર કલ્પેશ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણીએ તલવારથી હુમલો કર્યો હતો. હુમલામાં કલ્પેશભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ અને બાદમાં એક ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની સુનાવણી ભાવનગરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ મનોજભાઈ જોશીએ 20 મૌખિક અને 30 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આરોપીના ગુનાહિત ઇતિહાસ, કોર્ટમાં તેની વર્તણૂક અને હુમલાના ઇરાદાને ધ્યાનમાં રાખીને, એડિશનલ સેશન્સ જજ મુળિયાએ આરોપી કલ્પેશ ઉર્ફે દાઉદ જેતાણીને ગુનેગાર ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને પાંચ વર્ષની કેદની સજા, 5,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ બે મહિનાની કેદની સજા ફટકારી છે. આ કેસ તે સમયે ભાવનગરમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજા દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો હતો, જેઓ હાલ અમદાવાદના ઝોન 6 ડીસીપી તરીકે કાર્યરત છે. જાડેજાએ તેમની ભાવનગરની ફરજ દરમિયાન ડબલ મર્ડર, પાલિતાણા મર્ડર, સરકારી હાટ મર્ડર, વિઠ્ઠલવાડી ખૂનની કોશિશ અને લૂંટ જેવી અનેક ગુનાહિત ઘટનાઓ ઉકેલી ગુનેગારોને સજા અપાવી હતી. આ ચુકાદો તેમની કામગીરીમાં વધુ એક સફળતા ઉમેરે છે.