દિલીપ સંઘાણી અને ભાજપના નેતાઓએ ‘આત્મનિર્ભર ભારત’નો નારો બુલંદ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લાદવામાં આવ્યા છે, જેના વિરોધમાં ગુજરાતમાં સૌપ્રથમ અમરેલીમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. આજે અમરેલી શહેરના રાજકમલ ચોકમાં ભાજપના દિગ્ગજ નેતા અને ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, ડો. ભરત કાનાબાર સહિતના નેતાઓ દ્વારા અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી.નેતાઓએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અમેરિકન ચીજવસ્તુઓ જાહેરમાં સળગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ’આત્મનિર્ભર ભારત’ના નારા લગાવવામાં આવ્યા હતા. દિલીપભાઈ સંઘાણી અને ડો. ભરત કાનાબારે લોકોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’આત્મનિર્ભર ભારત’ના વિઝનને વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે અમેરિકા ભારતને ઝુકાવવા માગે છે, પરંતુ તેનો આ મનસૂબો ક્યારેય સફળ નહીં થાય. લોકોએ અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતાઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. અમરેલીમાંથી શરૂ થયેલો આ વિરોધ આગામી દિવસોમાં રાજ્યભરમાં ફેલાય તેવી શક્યતા છે.