દ્વારકાના દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ બનાવીને દ્વારકાધીશની પ્રતિમા પધરાવવામાં આવશે
આજે ઈન્દ્રભારતી બાપુના હસ્તે દર્શનનો પ્રારંભ : દરરોજ સાંજે દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ દ્વારા ભવ્ય મહાભારતી
જ્યારે જન્માષ્ટમીના દિવસે રાસની રમઝટ અને ભવ્ય દહીં-હાંડી ઉત્સવની ઉજવણી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
યુગપુરુષ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીને વિશ્ર્વભરના હિંદુઓ ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ધર્મ અને સંસ્કૃતિના અનેરા સમન્વય સમાન આ પર્વને રંગીલા રાજકોટવાસીઓ પણ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવે છે ત્યારે રાજકોટના યુનિવર્સિટી રોડ પર સવાણી હોસ્પિટલ સામે આવેલા જય દ્વારકાધીશ હોટલ ગ્રુપ દ્વારા દ્વારકામાં આવેલા જગત મંદિરની આબેહુબ પ્રતિકૃતિ બનાવીને તેમાં ભગવાન દ્વારકાધીશની પ્રતિમા પધરાવવામાં આવનાર છે. આ મંદિરના ભવ્ય દર્શન શુભારંભ સંતો-મહંતો અને દ્વારકાધીશના પૂજારીઓના હસ્તે તા. 14 ને ગુરુવાર સાંજથી થનાર છે.
જન્માષ્ટમીના પર્વે દ્વારકામાં આવેલા જગત મંદિરના દર્શને ન જઈ શકનારા રાજકોટવાસીઓને ઘરબેઠા જ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો લેવડાવવા જય દ્વારકાધીશ હોટલ ગ્રુપ દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે યુનિવર્સિટી રોડ પર સવાણી હોસ્પિટલ સામે દ્વારકામાં આવેલા જગત મંદિરની આબેહુબ પ્રતિકૃતિ બનાવીને તેમાં ભગવાન દ્વારકાધીશની પ્રતિમા પધરાવવામાં આવનાર છે. આ દિવ્ય દર્શનનો શુભ પ્રારંભ સાંજે 6 વાગ્યે શ્રી પંચ દશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જૂનાગઢ ગિરનાર મંડળના મહંત ઈન્દ્રભારતીબાપુના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવનાર છે.
ત્રણ દિવસીય આ આયોજનમાં દરરોજ સાંજે 7-30 કલાકે દ્વારકા દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ પ્રદીપભાઈ નંદલાલ ઠાકર અને ચંદ્રેશભાઈ અનંતભાઈ પૂજારી દ્વારા ભવ્ય મહાઆરતી યોજાશે. જ્યારે તા. 16 ને શનિવારે જન્માષ્ટમીના પર્વે રાત્રે 9 વાગ્યાથી રાસની રમઝટ યોજાશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમય રાત્રે 12 વાગ્યે દહીં-હાંડી ઉત્સવ યોજીને ગોકુળના દ્રશ્યો ખડા કરાશે. આ ભવ્ય આયોજનમાં ભગવાન દ્વારકાધીશના અલૌકિક દર્શનનો લાભ લેવા જય દ્વારકાધીશ હોટલ ગ્રુપની આગેવાનીમાં મિત્ર વર્તુળ અને સ્નેહીજનો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.