ટી બોર્ડ મેમ્બર દિનેશભાઈ કારીયા બેઠકમાં ભાગ લેવા રવાના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ટી બોર્ડ ઓફ ઈન્ડિયાની અત્યંત મહત્વપૂર્ણ 252મી બેઠકનું આયોજન 13 ઓગસ્ટના રોજ દક્ષિણ ભારતમાં આવેલા કૂનૂરની તાજ હોટલમાં કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ટી બોર્ડના મેમ્બર દિનેશભાઈ કારીયા આજે કૂનૂર જવા રવાના થયા છે. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ટી બોર્ડના ચેરમેન અને ભારત સરકારના કોમર્સ વિભાગના સેક્રેટરી સત્યા શ્રીનિવાસ સંભાળશે. આ બેઠક દક્ષિણ ભારતમાં રાખવા પાછળનો મુખ્ય હેતુ ત્યાંની ચાના મહત્વને વધારવાનો છે. તમામ બોર્ડના સભ્યો આ બેઠકમાં હાજર રહેશે.
બેઠકના મુખ્ય મુદ્દાઓ અને એજન્ડા
આ બેઠકનું વિશેષ મહત્વ એટલા માટે છે કે હાલમાં અમેરિકાએ ભારત પર જે ટેરિફ લાદ્યા છે, તેની ભારતીય ચાની નિકાસ પર થનારી અસર અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
ટેરિફની અસર: અમેરિકાના નવા ટેરિફને કારણે ભારતીય ચાની નિકાસ પર શું અસર થશે અને તેના વૈકલ્પિક ઉકેલો શું હોઈ શકે તે અંગે વિચારણા કરવામાં આવશે.
ચા ઉત્પાદન અને નિકાસ: ભારતમાં ચાનું ઉત્પાદન, નિકાસ અને સ્થાનિક વપરાશને વધારવા માટેની વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે.
ગુણવત્તા સુધારણા: ખાસ કરીને સારી ગુણવત્તાવાળી ચાનું ઉત્પાદન થાય તે માટે તમામ ચાના બગીચાના માલિકો સાથે ચર્ચા કરવામાં આવશે. આસામની બોટલીફ ફેક્ટરીની ચાની ગુણવત્તા સુધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.
ભાવ અને ભવિષ્ય: આગામી દિવસોમાં ચાના ભાવ અને બજારની સ્થિતિ અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવશે.