143 વર્ષના બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુન: વસવાટ શરૂ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ બરડા
ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે, તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુન: વસવાટ શરૂ કર્યો છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાનના વિઝન અને વન વિભાગની પ્રો-એક્ટિવ પ્રેક્ટિસીસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન-ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે વડાપ્રધાનએ ‘પ્રોજેકટ લાયન’ શરૂ કરાવ્યો છે.
આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસતિ પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.
- Advertisement -
વન અને વન્યસૃષ્ટીના સંરક્ષણ તથા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રૂા. 180 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે, બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂા. 75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો આવનારા દિવસોમાં હાથ ધરાશે. વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પેટ્રોલિંગ તથા મોનિટરિંગ અને પ્રાણીઓના રેસક્યુ સહિતના કામો માટે 247 જેટલા નવા વાહનો વન વિભાગમાં ઉમેરાઈ રહ્યા છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે સાંસદ પૂનમબેન માડમ, સાંસદ પરિમલભાઈ નથવાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ હેમંતભાઈ ખવા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, ડી.જી. ફોરેસ્ટ સુશીલ અવસ્થી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોરબંદર કલેકટર એસ.ડી.ધાનાણી સહિતના અધિકારીઓ અને ભાજપના આગેવાનો હાજર હતાં.