ભારતીય કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ કેપ્સ કાફે પર બે વખત ગોળીબાર થયો હતો. હવે આ મામલે એક મોટી અહેવાલો સામે આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાફેમાં ગોળીબાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાયો હતો અને કપિલ શર્મા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની નજીક હોવાથી તેનો પણ જીવ જોખમમાં છે.
કપિલના કાફેમાં ગોળીબાર કેમ થયો?
- Advertisement -
અહેવાલો અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર હેરી બોક્સરનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોમેડિયન કપિલ શર્માએ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ સીઝન 2ના પહેલા એપિસોડમાં સલમાન ખાનને આમંત્રણ આપ્યું હતું, જે બિશ્નોઈ ગેંગને ગમ્યું નહીં. આ મામલે બદલો લેવા માટે કપિલના કાફેમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઓડિયોમાં ધમકી આપવામાં આવી છે કે, ‘જે સલમાન સાથે કામ કરશે તે મરશે.’
કપિલ શર્મા અને બોલિવૂડને ધમકી
ઓડિયોમાં હેરી બોક્સરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધમકી આપતા કહ્યું કે, ‘કોમેડિયન કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં ગોળીબાર કરાયો કારણ કે, તેણે સલમાન ખાનને તેના શોના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. હવે જે પણ દિગ્દર્શક, નિર્માતા, કલાકારોને અમે કોઈ ચેતવણી આપીશું નહીં. હવે ગોળી સીધી છાતી પર વાગશે. અમે મુંબઈનું વાતાવરણ એવી રીતે બગાડીશું કે તમે લોકો વિચાર્યું પણ નહીં હોય. જે કોઈ સલમાન સાથે કામ કરશે, પછી ભલે તે નાનો કલાકાર હોય અથવા નાનો દિગ્દર્શક અમે કોઈને પણ છોડીશું નહીં. અમે તેને મારી નાખીશું. જે સલમાન સાથે કામ કરશે તે મરશે.’
- Advertisement -
સલમાન ખાન અને લોરેન્સ વચ્ચે વર્ષો જૂની દુશ્મનાવટ!
કપિલ શર્માને મળેલી આ ધમકી પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ છે. લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાનની દુશ્મનાવટ વર્ષો જૂની છે. હરણ શિકાર કેસ પછી લોરેન્સ ગેંગે સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. તેના ઘર પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. લોરેન્સ ગેંગની માંગ છે કે અભિનેતા હરણ શિકાર કેસ માટે તેના સમુદાયની માફી માંગે.