એક જુનિયર અધિકારી સહિત તેના નવ જવાન સાથે 60થી વધુ નાગરિકો લાપતા છે
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં અચાનક આવેલા પૂર પછી ગુરુવારે ત્રીજા દિવસે પણ બચાવ અને રાહત અભિયાન ચાલુ છે. ભારતીય એરફોર્સના ચિનૂક અને એમઆઈ-17 હેલિકોપ્ટર્સની મદદથી વિવિધ સ્થળે ફસાયેલા 270થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આર્મીએ કહ્યું કે, એક જુનિયર અધિકારી સહિત તેના નવ જવાન સાથે 60થી વધુ નાગરિકો લાપતા છે. જોકે, સ્થાનિક લોકોનો દાવો છે કે લાપતા લોકોનો આંકડો ઘણો વધુ હોઈ શકે છે. સૂત્રો મુજબ ગંગોત્રી ધામના પ્રવાસે આવેલા 500થી વધુ શ્રદ્ધાળુઓનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. તેમાં મુંબઈ અને કર્ણાટકના અંદાજે 64 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
ઉત્તરકાશીના ધરાલી ગામમાં અત્યાધુનિક સાધનોની મદદથી ગુરુવારે પર્વતના કાટમાળમાં દટાયેલા લોકોની શોધ હાથ ધરવામાં આવી છે. સેનાએ જણાવ્યું કે, એન્જિનિયરો, મેડિકલ ટીમ અને બચાવ નિષ્ણાતો સહિત ૨૨૫ સૈનિકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે હાજર છે. એરફોર્સના હેલિકોપ્ટર્સ પણ બચાવ અને રાહત કાર્યમાં કામે લાગ્યા હતા. તેમણે આર્મીના નિરાશ્રિત કેમ્પો અને આજુબાજુના ગામોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. એનડીઆરએફની 69 કર્મચારીઓની ટીમ, બે કેડેવર શ્વાન્સ પણ બચાવ અભિયાનમાં જોડાયા છે. ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે કહ્યું કે, ધરાલીમાં કુદરતી આપત્તિના કારણે અંદાજે રૂ. 300થી રૂ. 400 કરોડના નુકસાનની આશંકા છે.
એનડીઆરએફના ડીઆઈજી ગંભીરસિંહ ચૌહાણે કહ્યું કે, આ ખૂબ જ મોટી દુર્ઘટના હતી અને ધરાલી ગામમાં વ્યાપક સ્તરે નુકસાન થયું છે. ઉત્તરકાશીને જોડતા રસ્તાઓને ભારે નુકસાન થયું છે. જોકે, અમારી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં લાગી છે. અત્યાર સુધીમાં 274 લોકોને હર્ષિલમાં લવાયા છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, કર્ણાટક, તેલંગણા અને પંજાબના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનામાં એક કમનીસબ ઘટનામાં પૂણેના 24 મિત્રોનું એક ગ્રૂપ લાપતા છે. આ ગ્રૂપ પૂણેની એક સ્કૂલની 1990ની બેચના મિત્રો હતા, જેઓ મહારાષ્ટ્રના 75 પ્રવાસીઓનો ભાગ હતા. 24 મિત્રો 35 વર્ષ પછી ચારધામના પ્રવાસ માટે એકત્ર થયા હતા. તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. મહારાષ્ટ્રના 149 પ્રવાસીઓમાંથી 61 સુરક્ષિત છે અને હનુમાન આશ્રમમાં રોકાયેલા છે. જોકે, 75ના ફોન હજુ પણ બંધ છે અને નેટવર્ક કવરેજની બહાર છે.
- Advertisement -
આર્મીએ જણાવ્યું કે, ગંગોભીમાં ફસાયેલા લગભગ 180થી 200 પ્રવાસીઓને સેના અને આઈટીબીપી દ્વારા ભોજન, આશ્રય અને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી છે. આગામી 24 થી 48 કલાકમાં ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને સૈનિકો અને મેડિકલ ટીમોને હર્ષિલ સુધી પહોંચાડવામાં આવશે. આ સિવાય પ્રવાસીઓને નેલોંગ હેલીપેડથી સલામત સ્થળે ખસેડાશે. લગભગ 300 તીર્થયાત્રી અને 100થી વધુ વેપારીઓ હાલ ગંગોત્રીમાં છે.
એસડીઆરએફના મહાનિરીક્ષક અરૂણ મોહન જોશીએ કહ્યું કે, ધરાલીમાં 50થી 60 ફૂટ ઊંચો કાટમાળનો ઢગ ખડકાયો છે અને દુર્ઘટનામાં સેંકડો લોકો આ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બુધવારથી જ ઉત્તરકાશીમાં ધામા નાંખ્યા છે અને તેઓ બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે.