દારૂ પીધા બાદ કોઈ કારણોસર ઝઘડો થતા ઢીમ ઢાળી દીધાની શંકા
હત્યા કરી પતિ લાશ પાસે જ બેઠો રહ્યો : વાડી માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ પોલીસ ચોપડે વધુ એક હત્યાનો બનાવ નોંધાયો છે જેમાં કુવાડવા તાબેના આણંદપર બાઘી ગામે વાડીમાં રહી મજૂરી કરતાં રાજસ્થાનના મજૂરે પત્નિ સાથે બોલાચાલી થયા બાદ તેણીને કુહાડાના ઘા ઝીંકી ક્રુરતાથી રહેસી નાખતા ચકચાર મચી જવા પામી છે હત્યા બાદ પતિ પત્નિની લાશ પાસે જ બેઠો રહ્યો હતો અન્ય મજૂર મારફત જાણ થતાં વાડી માલિક વાડીએ દોડી ગયા હતાં અને કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પોલીસે વાડી માલિકની ફરિયાદ નોંધી પતિને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ આણંદપર બાઘી ગામે આવેલી ભરતભાઇ વાઢેરની વાડીમાં રહી મજુરી કરતા મજૂરે તેની પત્નિની હત્યા કર્યાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસના પીઆઈ રજયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસે વાડી માલિક આણંદપરમાં રહેતાં ભરતભાઇ રણજીતભાઇ વાઢેર ઉ.43ની ફરિયાદ પરથી તેના મજૂર રાજસ્થાનના બારાન જીલ્લાના બીચી ગામના રામચરણ કૈલાસભાઇ શેહરીયા વિરૂધ્ધ તેની પત્ની કમલેશબાઇ ઉર્ફ કમલીબાઇની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો રણજીતભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે આણંદપર બાઘીમાં ખેતર છે જેમાં મેં ખેત મજૂરી માટે દોઢેક મહિના પહેલા રાજસ્થાનના રામચરણ શેહરીયા અને તેની પત્નિએ કામે રાખ્યા હતાં. આ ઉપરાંત મધ્યપ્રદેશનો બહાદુરસિંહ અને તેની પત્નિ પ્રેમબાઇ પણ અહિ ખેત મજૂરી કરે છે મંગળવારે રાતે સાડા દસેક વાગ્યે મને મજૂર બહાદુરસિંહે જાણ કરી હતી કે આપણા ખેતમાં રામચરણ અને તેની પત્નિ કમલેશબાઇ ઝઘડો કરે છે. આથી હું તરત વાડીએ પહોંચ્યો હતો. પણ ત્યાં મકાને તપાસ કરતાં કોઇ જોવા મળ્યું નહોતું બાદમાં વધુ તપાસ કરતાં વાડી પાસેના રસ્તા પર કમલેશબાઇ અને રામચરણ જોવા મળ્યા હતાં ત્યાં જઇ તપાસ કરતાં કમલેશબાઇ લોહીલુહાણ જોવા મળી હતી તે કંઇ બોલતી નહોતી, તેનો પતિ રામચરણ પણ બાજુમાં જ બેઠો હતો. આ પછી 108ને જાણ કરતાં તેના ડોક્ટરે કમલીબાઇને મૃત જાહેર કરતાં મેં પોલીસને જાણ કરી હતી.
કોઇ કારણોસર પતિ-પત્નિ વચ્ચે ગૃહકલેશ, ઝઘડો થતાં પતિએ કુહાડા કે પછી બીજા કોઇ હથીયારથી હુમલો કરી તેની પત્નિને મોઢા, કમર નીચે, પગમાં આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી કુવાડવા પીઆઇ બી. પી. રજયા, અજીતભાઇ લોખીલ સહિતના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો. હત્યાનો ભોગ બનનારને સંતાનમાં એક દિકરો છે જે તેના વતનમાં રહે છે. આરોપી રામચરણને દારૂ પીવાની ટેવ હતી. કદાચ દારૂ પીધા બાદ ઝઘડો થયા પછી તેણે પત્નિની હત્યા કરી નાંખ્યાની શક્યતા સેવાઈ રહી છે.
શહેર ગ્રામ્ય પંથકમાં ચાર દિવસમાં પાંચ હત્યા
મેટોડામાં પત્નિની છેડતીનો આરોપ મુકી બે શખ્સે યુવાનની હત્યા કરી હતી. માયાણીનગર ખીજડાવાળા રોડ પર ગાળો બોલવા મામલે મજૂરનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું હતું થોરાળામાં ઓરિસ્સાના શ્રમિકને પથ્થરના ઘા ઝીકી પતાવી દીધો હતો કોઠારીયા સોલવન્ટમાં ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા પારડીના યુવાનને છરીના ઘા ઝીકી રહેસી નાખ્યો હતો હવે કુવાડવા તાબેના આણંદપર બાઘીમાં પતિના હાથે પત્નિની હત્યા કરવામાં આવી છે.