રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર યોજાઈ સંસ્કૃત ગૌરવ પદયાત્રા
ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા 6થી 12 ઓગસ્ટ સુધી આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂ એરા સ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ પદયાત્રાનો પ્રારંભ થયો હતો. જિલ્લા પંચાયત ચોક સુધી યોજાયેલી આ યાત્રામાં કુલ 35 શાળાઓના આશરે 1700 વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ગીત ’ભવતુ ભારતમ્’ પર નૃત્ય, સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ શાસ્ત્રીય નૃત્ય, ન્યૂ એરા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ’મધુરાષ્ટકમ્’ સ્તોત્ર પર નૃત્ય, ધર્મેન્દ્રસિંહ આર્ટ કોલેજની વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ગરબો તથા વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ અને અર્જુનની ભૂમિકા ભજવીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભક્તિ યોગના શ્લોકોનું ગાન કરીને પ્રેષકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સહયોગી બેન્કના પ્રતિનિધિઓ અને શાળા સંચાલકોને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરાયું હતું. મહાનુભાવોએ સંસ્કૃત સંબંધિત વસ્તુઓ અને પુસ્તકની પ્રદર્શની નિહાળી હતી. તેમજ વિદ્યાર્થીઓને સંસ્કૃત યાત્રા માટે ટોપીનું વિતરણ કરાયું હતું.
સંસ્કૃત ગૌરવ યાત્રામાં વૈદિક અને પૌરાણિક ગ્રંથો, નટરાજ અને મહેશ્વર સૂત્રો, પ્રાચીન વલભી વિદ્યાપીઠની પ્રતિકૃતિ, સંસ્કૃત સાહિત્ય પરિચય, સાયન્સ ઈન સંસ્કૃત, પ્રાચીન ઋષિઓ અને વિદુષીઓના સંવાદો અને શાસ્ત્રીય નૃત્ય નિદર્શન અને સાહિત્ય નિદર્શન જેવા સાત ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર સંસ્કૃત ગરબા, સંસ્કૃત સુભાષિતો અને સંસ્કૃત ગીતોની રમઝટ બોલી હતી. ભારત સરકારના વિવિધ વિભાગોના સંસ્કૃત સૂત્રો અને સંસ્કૃત સુભાષિતોના આશરે 100 બેનરો, 30 રંગબેરંગી છત્રીઓ, 260 મેઘધનુષ્યના સાત રંગની ધ્વજાઓ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ યાત્રામાં જોડાયા હતાં. આ યાત્રા દરમિયાન ’સંસ્કૃત ભાષા, મધુરા ભાષા’, ’વદતુ સંસ્કૃતમ્, જયતુ સંસ્કૃતમ્’નો જયઘોષ કરવામાં આવ્યો હતો. આ રેલીના રૂટ પર સંસ્કૃત ગૌરવ યાત્રા સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.