મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ, રસ્તાઓ પર અકસ્માત અને માલમિલકતને નુકસાનનું જોખમ વધ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે શહેરીજનોના જીવ જોખમમાં મુકાયા છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા આખલાઓ અને ગાયો વાહનચાલકો માટે સતત અકસ્માતનો ભય ઊભો કરી રહ્યા છે. લોકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
શહેરના લગભગ તમામ વિસ્તારોમાં રખડતા ઢોરનું સામ્રાજ્ય ફેલાયું છે. મનપા દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કામગીરી કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી રહી છે. રસ્તાઓ પર અવારનવાર આખલાઓ યુદ્ધે ચડે છે, જેના કારણે માત્ર લોકોના જીવ પર જ નહીં, પણ તેમની માલમિલકતને પણ નુકસાન થવાનો ભય રહે છે.
શહેરના નાગરિકોની એવી આશા હતી કે જ્યારે મોરબી મહાનગરપાલિકા બનશે, ત્યારે આવી સમસ્યાઓનો અંત આવશે, પરંતુ આ આશા ઠગારી નીવડી છે. પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ગંભીર બની છે.
આ સંજોગોમાં લોકોની એવી માંગણી છે કે, મનપા તંત્ર રખડતા ઢોરને કાબુમાં લેવા માટે કડક અને અસરકારક પગલાં ભરે. આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.