કોંગ્રેસે 1800 થી વધુ સહીઓ એકઠી કરી, ભાજપનો આક્ષેપ કે આ પ્રોજેક્ટ પહેલેથી જ મંજૂર છે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
મોરબીમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે લીલાપર સ્મશાનથી ભડિયાદ સુધીના નવા બ્રિજની માંગને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આ બ્રિજ માટે સોમવારે સહી ઝુંબેશ શરૂ કરી હતી, જ્યારે ભાજપે કોંગ્રેસ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસનું અભિયાન: મોરબી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોએ લીલાપર ચોકડી પાસે આ અભિયાન ચલાવ્યું હતું. તેમણે વાહન ચાલકોને રોકીને નવા બ્રિજના સમર્થનમાં સહીઓ લીધી હતી. આ સહી ઝુંબેશમાં 1800થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, એકત્ર થયેલી સહીઓના આધારે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે. તેમના મતે, આ નવો બ્રિજ બનવાથી શહેરની ટ્રાફિક સમસ્યા હલ થશે.
- Advertisement -
ભાજપનો વળતો પ્રહાર: આ મુદ્દે મોરબી શહેર ભાજપના પ્રમુખ રીષીપભાઈ કૈલાએ કોંગ્રેસના અભિયાનને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના વરિષ્ઠ આગેવાનો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ બ્રિજ માટે અગાઉથી જ રજૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પુલ માટે રૂ. 160 કરોડના ખર્ચે પહેલેથી જ મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં આ પ્રોજેક્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. કૈલાએ કોંગ્રેસને સાચી રાજનીતિ કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મોરબીમાં વીસીપરાથી વેજીટેબલ રોડ સુધી મચ્છુ નદી ઉપર પણ એક નવો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે, મોરબીમાં વિકાસના મુદ્દાઓ પર પણ રાજકીય ગરમાવો વધી રહ્યો છે.