ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદરમાં રહેતાં ફરિયાદી હરીશભાઈ દેવાભાઈ પરમાર પોતાની વિઝા ટિકિટના પૈસા પરત મેળવવા માટે આરોપી મંગલસિંહ બળવંતસિંહ સીસોદીયાની ઓફીસે જતાં ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી જીવલેણ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવા અંગેની ફરિયાદ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી, જે ફરિયાદના અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી, જે કે ચાલી જતાં અદાલતે આ કામના આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામ સબબ નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીએ વિદેશમાં નોકરી કરવા માટે રશિયા અને યુક્રેન જેવા દેશમાં માણસોની જરૂર છે, તે અંગેની જાહેરાત ન્યુઝ પેપરમાં આવેલી હતી જેથી આ કામના ફરિયાદીને પણ નોકરી માટે વિદેશ જવું હોય જેથી ફરિયાદીએ એચ. આર. ઈન્ટરનેશનલ કંપનીની રાજકોટ ખાતેની ઓફીસે જઈ આરોપી મંગલસિંહ સીસોદીયાને રૂબરૂ મળી રૂા. 1,10,000 રશિયા જવા માટેની વિઝા ટિકિટના રોકડા આપેલા હતા, ત્યારબાદ એચ.આર. ઈન્ટરનેશનલ કંપનીએ વિદેશમાં જવા માટેની કોઈ ટિકિટ કે વિઝા ફરિયાદીને આપેલા ન હતા, અને ટિકિટ પણ કેન્સલ થયેલી છે તેવી હકીકત જણાવતા ફરિયાદીએ તા. 24-10-2022ના રોજ આરોપીની ઓફીસે પૈસા પરત મેળવવા માટે માગણી કરતાં આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારેલો અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરેલા, જે અંગે ફરિયાદ આરોપી વિરુદ્ધ નોંધાવતા જેના અનુસંધાને પોલીસ દ્વારા આરોપી મંગલસિંહ બળવંતસિંહ સીસોદીયાની ધરપકડ કરવામાં આવેલી તેમજ આરોપી વિરુદ્ધ પુરતો પુરાવા સાથે કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું, જે કેસ ચાલી જતાં આ કામમાં ફરિયાદ પક્ષ તરફથી કુલ 4 સાહેદોને તપાસવામાં આવેલા તેમજ ડોક્યુમેન્ટરી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા. આ કામમાં અતિમહત્ત્વના ગણાતા સાહેદ એટલે કે ભોગ બનનાર ફરિયાદીની કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીકતને સમર્થનકારીક જુબાની આપેલી પરંતુ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલટ તપાસમાં બનાવથી વિપરિત હકીકત રેકર્ડ પર આવેલી જેથી ફરિયાદ પક્ષ કેસને નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલા હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલા ચૂકાદાઓને ધ્યાનમાં લઈ આ કામના આરોપીને સેશન્સ કોર્ટે ગુન્હામાં આરોપી મંગલસિંહ બળવંતસિંહ સીસોદીયાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવેલો છે.
આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા રોકાયેલા હતા.



