ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગરનું ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ મંદિરનો અનેરો મહિમા છે. દરિયામાં સમાઈ જતું અને બાદમાં દર્શન આપતા નિષ્કલંક મહાદેવ માટે આજે પણ માન્યતા છે કે દરીયો રસ્તો કરી આપે છે. માત્ર ઓટના સમયે દરીયામાં નિષ્કલંક મહાદેવની પૂજા અને દર્શન કરવાનો મોકો મળે છે. ત્યારે આ સ્થળને યાત્રાધામમાં સમાવવા હિલચાલ શરૂ થઈ છે.
આ મંદિર ભાવનગર શહેરથી આશરે 23 કિલોમીટરના અંતરે આવેલું છે. કોળિયાક ગામથી આશરે 3 કિ.મી. પૂર્વ તરફ સમુદ્રમાં ભગવાન શંકરની મૂર્તિનું સ્થાપન કરાયું છે. આ સ્થળે સુદ અથવા વદ એકમે સવારના 9 થી બપોરના 12 સુધી ત્યાં જઈ શકાય છે.
- Advertisement -
પરંતુ ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબમાં જાય તે પહેલાં બપોરે 1 વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે. ત્યાં દરેક લિંગને એક નંદી છે. ત્યાં એક તળાવ પણ છે જ્યાં ભક્તો ભગવાન શંકરની પૂજા કરતાં પહેલા પોતાના હાથ-પગ ધોવે છે. આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજાં પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે.લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે, મંદિર પર ચડાવાયેલો ધ્વજ 364 દિવસ સુધી યથાવત્ રહે છે અને માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે.
તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજાંમાં ખેંચાઈ પણ જતો નથી.



