મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કણકોટ નજીક નિર્માણ પામનારા સરદારધામનું ભૂમિપૂજન કર્યું
અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે 40 હજાર વાર જમીનમાં ભવ્ય ભવન નિર્માણ પામશે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ તાલુકાના કણકોટ ગામ નજીક અંદાજે 100 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ’સરદારધામ’નું ભૂમિપૂજન કરાયું હતું. આ નિમિત્તે હોટેલ રિજન્સી લગુન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં નિર્માણ પામી રહેલા સરદારધામ મારફતે થઈ રહેલા કાર્યનું પરિણામ ખૂબ સારું આવે તેવી શુભેચ્છાઓ છે.સરદારધામ સમા વટવૃક્ષના નિર્માણથી આવનારી પેઢીને ઉત્તમ માર્ગદર્શન મળી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ આ નિર્માણ એ એક ખૂબ મોટું સામાજિક દાયિત્વ છે, જેમાં સમાજના તમામ વ્યક્તિઓએ શક્ય તેટલું યોગદાન આપવું જોઈએ તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે સમાજના વિકાસમાં સમાજનો પ્રત્યેક નાગરિક સામેલ થાય તે સરકાર માટે આનંદની બાબત છે. સરદાર ધામના નિર્માણ થકી ભવિષ્યની પેઢી જ્ઞાનના ક્ષેત્રે અવ્વલ શિખરો સર કરશે. સરકાર દ્વારા હાઈડ્રોજન પ્લાન્ટ, સોલાર અને અન્ય ગ્રીન એનર્જી, સેમિક્ધડક્ટર વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશેષ સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે આવનારી સદી વિજ્ઞાનની સદી છે તથા તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન છે, ત્યારે તમામ સમાજે જ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરીને પ્રગતિના ઉન્નત સોપાન સર કરવા જોઈએ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ સમાજના ઉત્કર્ષ માટે સાચા ભાવથી લીધેલા સંકલ્પ ચોક્કસ સિદ્ધ થતા હોય છે તેમ જણાવતા કહ્યું હતું કે સામર્થ્યવાન સમાજના વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિના ગુણોની કેળવણી સાથે આપણે સશક્ત રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સહભાગી બનવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કણકોટ ખાતે કુલ 40 હજાર વાર જગ્યામાં સરદારધામ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે છાત્રાલય, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, યુવા સંગઠન, સ્પોર્ટસ સંકુલ, સામાજિક માર્ગદર્શન કેન્દ્ર જેવા વિવિધ વિભાગો થકી સામાજિક ઉત્થાનના કાર્યો થશે.