શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં વહેલી સવારે 4 વાગ્યાથી ભાવિકો ઉમટ્યા
હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સોમનાથ દર્શને પધાર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.28
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ સાનિધ્યે ભાવિ ભક્તોનો સાગર છલકાયો.વહેલી સવારે 4 કલાકે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. મંદિર પરિસરમાં પાલખીયાત્રા સમયે પણ મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળ્યા.ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સોમનાથના શરણે પહોચ્યા તો દેશ વિદેશથી યાત્રિકો પણ ઉમટી પડ્યા.
આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો દિવસ અને પ્રથમ સોમવાર હોય અને સોમનાથ સાનિધ્યે શિવભક્તો ન પહોંચે તેવું તો શક્ય જ નથી.આજરોજ શ્રાવણના પ્રથમ સોમવારને પગલે શિવભક્તોનું ઘોડાપુર સોમનાથ સાનિધ્યે ઉમટ્યું હતું અને વહેલી સવારથી દર્શનાર્થીઓની કતાર લાગી હતી.વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવતા જ મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ત્યારબાદ મહાદેવની પ્રાત: પૂજા અને પ્રાત: આરતી કરવામાં આવી હતી તેમજ મહાદેવને પ્રાત: વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવ્યો હતો.સવારે 8:30 કલાકે પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં જાણે સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.આજે સોમવારને પગલે વહેલી સવારે જ 15 હજાર જેટલા ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે સાંજ સુધી લગભગ 50 હજાર ભક્તો ઉમટી પડવાની શક્યતા છે.
શ્રાવણ માસમાં ખાસ કરીને શિવજીના પ્રિય એવા સોમવારનું મહત્વ હોય છે જેને પગલે દેશ વિદેશથી યાત્રાળુઓ સોમવારે મહાદેવને શીશ ઝુકાવવા આવતા હોય છે તેવામાં આજરોજ સંતો મહાત્માઓ થી લઈને નેપાળ સુધીના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા પહોચ્યા હતા અને વસુધૈવ કુટુંબકમની ભાવના લોકોમાં કેળવાય તે અંગે સંદેશ પાઠવ્યો હતો.ખાસ કરીને વેરાવળ સહિત આસપાના વિસ્તારોમાંથી ગઇકાલ રાત્રીથી જ લોકો પદયાત્રા કરી સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા હતા અને ઘણા સેવા ભાવિ લોકો અને સંસ્થાઓ દ્વારા આવા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે ઠેક ઠેકાણે પ્રસાદી, પાણી અને શરબતના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે.ઉપરાંત સોમનાથ સાનિધ્યે પણ વિવિધ શ્રદ્ધાળુઓ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.સુરક્ષાની વાત કરવામાં આવે તો પોલીસ થી લઈ અને જિલ્લા વહીવટી તંત્ર પણ સોમનાથ ટ્રસ્ટની સાથે યાત્રિકોની સુવિધા માટે 24સ7 સજ્જ બન્યું છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સોમનાથ મહાદેવના દર્શને પ્રથમ સોમવારે પહોચ્યા હતા અને મહાદેવના પૂજા અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સાથે પણ ખાસ વાતચીત કરી સોમનાથ મંદિરમાં વધી રહેલી સુવિધાઓ અને સુચારૂ આયોજન અંગે વાત કરી હતી.દરમિયાન પ્રદેશ પ્રમુખના નામ માટે થઈ રહેલ વિલંબ અંગે તેમને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ પ્રક્રિયા શીર્ષ નેતૃત્વ એટલે કે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં આવતી હોય છે અને તે ચાલી રહી છે.બીજી તરફ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પણ વડાપ્રધાન છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ કોરિડોરની વાતો અંગે તેમને પુછતા જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વર જેવી જગ્યાઓએ કોરિડોર બની ચૂક્યા છે ધીમે ધીમે સોમનાથમાં પણ યાત્રિકો માટે સુવિધામાં વધારો કરી અધ્યતન કોરિડોર બનાવવામાં આવશે.